ભારતીય શેરબજારમાં તોફાની તેજીઃ બીએસઇ સેન્સેક્સ ૬૦,૦૦૦ને પાર

Wednesday 29th September 2021 05:14 EDT
 
 

મુંબઇ: ભારતીય બેન્ચમાર્ક સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વાર ૬૦,૦૦૦ની ઐતિહાસિક સપાટી પાર કરી હતી. ૧૪૦ વર્ષથી વધુ જૂના બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (બીએસઇ)નો સેન્સેક્સ ૨૪ સપ્ટેમ્બરે ૧૬૩.૧૧ પોઈન્ટ્સના સુધારા સાથે ૬૦,૦૪૮.૪૭ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી ૩૦.૨૫ પોઈન્ટ્સના સુધારે ૧૭,૮૫૩.૨૦ની સપાટીએ અટક્યો હતો. બીએસઇ સેન્સેક્સે ૬૦,૩૩૩ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. જ્યારે નિફ્ટીએ ૧૭,૯૪૭.૬૫ની ટોચ દર્શાવી હતી.
ચીનની કંપની એવરગ્રાન્ડે આર્થિક કટોકટીમાં હોવાના પગલે દુનિયાભરના શેરબજારમાં નરમાઇનો માહોલ હતો ત્યારે ભારતીય શેરબજારે વૈશ્વિક બજારોની અવગણના જાળવી રાખતાં સતત ચોથા દિવસે પોઝિટિવ બંધ આપ્યું હતું. માર્કેટને આઈટી, બેંકિંગ, ટેલિકોમ અને ઓટો ક્ષેત્ર તરફ્થી સપોર્ટ સાંપડયો હતો. જ્યારે મેટલ અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી.
૪૧ વર્ષની સફર
એપ્રિલ ૧૯૭૯માં ૧૦૦ની બેઝ વેલ્યૂથી શરૂ થયેલો બીએસઇ સેન્સેક્સ ૪૧ વર્ષોની સફર બાદ ૬૦ હજારના પડાવ પર પહોંચ્યો છે. સેન્સેક્સે ફેબ્રુઆરી ૨૦૦૬માં પ્રથમવાર ૧૦ હજારનું સ્તર દર્શાવી પાંચ આંકડામાં પ્રવેશ મેળવ્યો હતો. આમ ૧૦ હજારથી ૬૦ હજાર સુધી પહોંચવામાં તેને ૧૫ વર્ષો લાગ્યાં છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે વાર્ષિક ૧૨ ટકાના દરે બેન્ચમાર્કસમાં વૃદ્ધિને ગણતાં સેન્સેક્સ ૨૦૨૪ સુધીમાં એક લાખનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. જોકે આ માટે વૈશ્વિક બજારોમાં લિક્વિડિટીથી લઈને જીડીપી વૃદ્ધિ દર તથા કોર્પોરેટ અર્નિંગ્સ મહત્ત્વના પરિબળો બની રહેશ.
રોકાણકારો માલામાલ
જાન્યુઆરીના પ્રારંભથી ૨૪ સપ્ટેમ્બર - શુક્રવાર સુધીના ૧૬૬ ટ્રેડિંગ સત્રોના સમય દરમિયાન ભારતીય શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬૫ લાખ કરોડનો ઉમેરો થયો
છે. બીજી જાન્યુઆરીએ બીએસઈનું માર્કેટકેપ રૂ. ૧૯૬ લાખ કરોડ પર જોવા મળતું હતું. જે બે જ સત્રોમાં વધીને રૂ. ૨૬૧ લાખ કરોડનો આંક વટાવી ગયું હતું.
દિલ હૈ કી માનતા નહીંઃ ઝુનઝુનવાલા
મુંબઇ શેરબજારમાં સેન્સેક્સે ઐતિહાસિક સપાટી વટાવ્યા બાદ ભારતીય શેરબજારના વોરન બફેટ ગણાતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજે સારો દિવસ છે. ૬૦,૦૦૦ એ આંકડો માત્ર છે, માર્કેટ હજી વધશે. આ પછી હળવા સૂરે તેમણે
ઉમેર્યું હતું કે દિલ હૈ કિ માનતા નહીં, બાઝાર હૈ કિ રુકતા નહીં...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter