વોશિંગ્ટનઃ અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને અહીંના પ્રમુખ ટ્રમ્પ વિશ્વના તમામ દેશો પર મનસ્વી ટેરિફ નાખી રહ્યાં છે ત્યારે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં અમેરિકાના દેવા અંગે રજૂ કરવામાં આવેલા આંકડા અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું હોવાનું દર્શાવી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર અમેરિકન સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડોલરને પાર થઇ ગયું છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના દેવામાં દર પાંચ મહિને એક ટ્રિલિયન ડોલરનો વધારો થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર જાન્યુઆરી, 2024માં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન ડોલર હતું. જે જુલાઇ 2024માં વધીને 35 ટ્રિલિયન ડોલર, નવેમ્બર, 2024માં વધીને 36 ટ્રિલિયન ડોલર થઇ ગયું હતું. હવે તે 37 ટ્રિલિયન ડોલરને પાર થઇ ગયું છે.
રિપોર્ટ અનુસાર અમેરિકા પર દેવાંનો 37 ટ્રિલિયન ડોલરનો આ આંકડો રેકોર્ડ સ્તરે છે. જે અગાઉ મૂકાયેલા અંદાજથી ઘણું વધારે છે. જે ઝડપથી અમેરિકાનું દેવું વધી રહ્યું છે તેનાથી જૂના તમામ અંદાજ ખોટા પડયા છે.