અમેરિકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૩૫૦૦૦થી વધુ

Wednesday 25th March 2020 10:27 EDT
 
 

ન્યૂયોર્ક: ચીન અને યુરોપ બાદ અમેરિકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અમેરિકામાં ૨૪મી માર્ચે કોરોનાથી મૃત્યુઆંક ૩૫૦થી વધુએ પહોંચ્યો હતો. અમેરિકામાં એક જ દિવસમાં ૧૪૦૦૦થી વધારે નવા કેસો સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૩૫૦૦૦થી વધારે થઈ ગઇ હતી. સૌથી વધુ કેસોમાં અમેરિકા સોમવારે વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું હતું. અમેરિકામાં હોટેલ, સ્ટેડિયમ હોસ્પિટલમાં ફેરવાઇ રહ્યા છે. એકલા ન્યૂ યોર્કમાં ૨૦ હજાર આસપાસ કેસ છે. પર્યટકોની ચહેલપહેલથી ચોવીસ કલાક ધમધમતો રહેતો ન્યૂયોર્ક વિશ્વવિખ્યાત ટાઈમ્સ સ્ક્વેર સુમસામ બની ગયો છે. બીજી તરફ સ્પેસ એજન્સી નાસાએ કોરોનાના ખતરાને જોતા પોતાના ૧૭ હજાર કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. યુએનએ આ અઠવાડિયે પ્રસ્તાવિત સુરક્ષા પરિષદની બેઠકો રદ કરી દીધી છે.

વેન્ટીલેટર-માસ્કની તંગી

સોમવારે ૨૪ કલાકમાં ૧૦૦થી વધુનાં મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે આશરે ૨૭૦૦૦ લોકોને યુએસમાં કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે લોકોને પોતાના ઘરમાં રહેવાનું આહવાન કર્યું હતું.

ન્યૂ યોર્કમાં ૧૦ હજારથી વધુ કેસ

યુએસના ન્યૂ યોર્કમાં ૧૦ હજાર ૩૫૦થી વધુ કેસ નોંધાયા હતા અને ૬૦થી વધુનાં મોત થયાં હતાં. બીજી તરફ ટ્રમ્પે ચીન પર આકરા પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, ચીને કોરોના અંગેની માહિતી છુપાવી હોવાથી વિશ્વ આજે આ દિવસો જોઈ રહ્યું છે. દુનિયાના કુલ પોઝિટિવ કેસમાંથી ૫ ટકા ન્યૂ યોર્ક સિટી રિજિયનમાં હોવાના આંકડા સામે આવી રહ્યા છે.

૪૦ ટકા હોસ્પિટલ અન્ય દર્દી હટાવી તો પણ...

અમેરિકા, બ્રિટન, ઇટાલી, સ્પેન કોરોના વાઇરસથી પ્રભાવિત ટોપ ૧૦ દેશોમાં સામેલ છે સ્વાસ્થ્ય સુવિધાઓ માટે શ્રેષ્ઠ મનાતા આ દેશ આજે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. હાર્વર્ડ યુનિ.ના અભ્યાસ મુજબ અમેરિકાની ૪૦ ટકા હોસ્પિટલ તેના અન્ય દર્દીઓને હટાવી દેશે તો પણ કોરોના વાઇરસના દર્દીઓ માટે પર્યાપ્ત બેડ ઉપલબ્ધ નહીં કરાવી શકે. અમેરિકામાં ૩૦૬ મોટી હોસ્પિટલો છે અમેરિકાના તમામ ૫૦ પ્રાંત કોરોના વાઇરસની લપેટમાં છે.અમેરિકામાં ૧ લાખ બેડનો અભાવ છે. ૧.૭૦ લાખ વેન્ટિલેટર ઉપલબ્ધ છે જ્યારે જરૂર ૯.૬૦ લાખની છે. ન્યૂ યોર્કે ૬ હજાર નવા વેન્ટિલેટર ખરીદ્યા છે. ફેસબુકે અમેરિકામાં ૩.૭૫ લાખ માસ્ક દાન કર્યાં છે.

પરદેશીઓને રવાના કરશે

પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે જે પરદેશીઓને કોરોના થયો છે, એ પૈકીના ઘૂસણખોરોને તેમના વતનમાં મોકલી દેવાશે. અમેરિકામાં મેક્સિકો સરહદેથી મોટાપાયે ઘૂસણખોરી થાય છે. તેની સામે ટ્રમ્પનું અભિયાન ચાલુ જ છે. એમાં હવે કોરોનાનો કહેર થતાં સરકારે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter