અમેરિકામાં ભારતીય શીખ પર હુમલો, મારપીટ કરીને પાઘડી ઉછાળી

Wednesday 12th January 2022 06:26 EST
 
 

ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્કમાં જ્હોન એફ. કેનેડી (જેએફકે) ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરીને એની પાઘડી પાડી દીધી હતી. સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા વીડિયોમાં આ ઘટના સામે આવી છે. અમેરિકામાં વંશીય રીતે પ્રેરિત હેટ ક્રાઇમનો આ વધુ એક શંકાસ્પદ કેસ છે.
નવજોત પાલ કૌરે ટ્વિટર પર પાંચમી જાન્યુઆરીએ ૨૬ સેકંડનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ એરપોર્ટ બહાર એક શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. કૌરે જણાવ્યું કે એરપોર્ટ પર ઉભેલા એક અન્ય વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો કઈ તારીખનો છે એની જાણકારી અપાઇ નથી. વીડિયોમાં પીડિત વ્યક્તિ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં હુમલાખોર વ્યક્તિ શીખ વ્યક્તિને વારંવાર મારતા અને મુક્કા મારતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એને શીખ વ્યક્તિની પાઘડી પણ પાડી નાખી દીધી. કૌરે જણાવ્યું, ‘આ વીડિયો જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અન્ય વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. મેં આ રેકોર્ડ નથી કર્યો, પરંતુ હું આ હકીકતને લોકો સામે લાવવા માંગતી હતી કે આપણા સમાજમાં નફરત હજુ પણ યથાવત છે અને કમનસીબે, મેં ઘણા શીખ ટેક્સી ડ્રાઈવર સાથે મારપીટની ઘટનાઓ ઘણીવાર જોઈ છે.’ આ ઘટના કે ડ્રાઈવર વિશે વધુ જાણકારી હાલ મળી નથી.
બનાવ પરેશાન કરનારોઃ અમેરિકા
અમેરિકાએ જેએફકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલાની ઘટનાને વખોડી છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, ‘વિવિધતા અમેરિકાને મજબૂત બનાવે છે. અમે કોઇ પણ પ્રકારની ઘૃણા આધારિત હિંસાની વિરુદ્ધ છીએ. શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલાથી વ્યથિત છીએ.’ ન્યૂ યોર્ક સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે કહ્યું કે ન્યૂયોર્કમાં શીખ પર હુમલો પરેશાન કરનારો છે. અમે અમેરિકી અધિકારીઓ સમક્ષ આ મામલો રજૂ કરીને તપાસ કરવા આગ્રહ કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter