નવી દિલ્હીઃ ખાલિસ્તાની અલગતાવાદી આતંકવાદીઓએ જનમત સંગ્રહ દ્વારા કેનેડાનાં ગુરુદ્વારાઓને પોતાના ભારતવિરોધી એજન્ડાના અડ્ડા બનાવી નાંખ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના બયાન બાદથી જ સરે ગુરુદ્વારાથી આ એજન્ડાને પ્રોત્સાહિત કરવાની શરૂઆત થઈ છે. હવે ગુપ્તચર એજન્સીનાં સૂત્રો અનુસાર, કેનેડાનાં બીજાં આઠ ગુરુદ્વારામાં આ ષડયંત્ર ફેલાવવાનો પ્લાન કરાયો છે.
અલગતાવાદીઓનું પ્રારંભિક લક્ષ્ય કેનેડામાં રહેતા 5000 શીખ છે, જેમને ઉશ્કેરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ ગુરુદ્વારાઓ સરે, બ્રિટિશ કોલંબિયા, બ્રેમ્પટન અને અબોટ્સફર્ડમાં છે. મોટા ભાગનાં ગુરુદ્વારા જે ખાલિસ્તાની અલગતાવાદી આતંકવાદીઓના નિશાન પર છે તે નોન-પ્રોફિટ ગુરુદ્વારા છે.
સૂત્રોએ જણાવ્યું કે કેનેડામાં આ આઠ ગુરુદ્વારા એવા છે જેમાં ખાલિસ્તાની અલગતાવાદી આતંકવાદીઓનો સીધો પ્રભાવ છે. જેમાં સરેનું ગુરુદ્વારા મુખ્ય છે, જેની કમિટીનો આગેવાન આતંકવાદી હરદીપસિંહ નિજ્જર હતો. વડાપ્રધાન ટ્રુડોના બયાન બાદ સરે ગુરુદ્વારામાં થોડા દિવસો પહેલાં ભારતવિરોધી પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં. ભારત સરકાર દ્વારા તેનો વિરોધ થયા બાદ ત્યાંના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દબાણમાં આવીને તે પોસ્ટર્સ હટાવાયાં હતાં. હવે સુરક્ષા એજન્સીઓને મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે કે ઓછામાં ઓછાં આઠ એવાં ગુરુદ્વારા છે જેને ખાલિસ્તાની અલગતાવાદી આતંકવાદીઓએ પોતાના ષડયંત્રના કેન્દ્ર તરીકે પસંદ કર્યાં છે.