સેનેકા: અમેરિકાના કેન્સાસના સેનેકા શહેરમાં એક ભારતીય મૂળના કેથોલિક પાદરીની એક વ્યકિતએ ગોળી મારી હત્યા કરી છે તેમ ચર્ચના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. કેન્સાસમાં કેન્સાસ સિટીના આર્ચડાયોસિસના આર્કબિશપ જોસેફ નોમને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હું ફાધર અરુલ કારાસાલના મૃત્યુના દુખદ સમાચાર શેર કરતા ખૂબ દુખી છું, જેમની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ હિંસક કૃત્યએ અમારાથી અમારા એક પ્રિય પાદરી, નેતા અને મિત્ર છીનવી લીધા છે. ચર્ચની વેબસાઈટ પર તેમની પ્રોફાઈલ અનુસાર કારાસાલ 2011થી સેનેકા સ્થિત સેંટ પીટર એન્ડ પોલ પોલ કેથોલિક ચર્ચમાં પાદરી હતાં. 1944માં ભારતમાં તેમની પાદરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે 2004થી કેન્સાસમાં સેવા આપી રહ્યાં હતાં. તે 2011માં અમેરિકન નાગરિક બની ગયા હતાં. પાદરીને ચર્ચમાં ગોળી મારવામાં આવી હતી અને ત્યારબાદ થોડાક સમય પછી સ્થાનિક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. આ ઘટનાના સંદર્ભમાં એક શંકાસ્પદ શૂટરની ધરપકડ કરવામાં આવી છે.