ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રોસેસિંગ સિસ્ટમમાં ફેરફારઃ ભારતીયોને ભરપૂર લાભ મળશે

Tuesday 31st October 2023 11:50 EDT
 
 

વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસ કમિશન દ્વારા ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રોસેસિંગ સિસ્ટમનાં પ્રાથમિક તબક્કે ગ્રીન કાર્ડ અરજદારને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ આપવા તેમજ જરૂરી ટ્રાવેલ્સ ડોક્યુમેન્ટસ આપવા ભલામણ કરવામાં આવી છે. જો યુએસ પ્રેસિડેન્ટ દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાશે તો હજારો વિદેશી પ્રોફેશનલ્સને તેના લાભ મળશે જેમાં મોટાભાગના લાભાર્થીઓ ભારતીયો છે.
આ દરખાસ્તને 26 ઓક્ટોબરે વ્હાઈટ હાઉસ કમિશન ફોર એશિયન અમેરિકન, નેટિવ હવાઈયન અને પેસિફિક આઇલેન્ડર અફેર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગ્રીન કાર્ડને સામાન્ય રીતે સત્તાવાર કાયમી નિવાસી કાર્ડ ગણવામાં આવે છે. જે અમેરિકાના સત્તાવાળાઓ દ્વારા ઇમિગ્રન્ટસને આપવામાં આવતો દસ્તાવેજ છે. આ કાર્ડ ધરાવનાર વ્યકિતને અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટેનો વિશેષાધિકાર મળે છે.

I-140 અરજી તેમજ I-485નું ફાઈલિંગ
ગ્રીન કોર્ડ અરજીની પ્રોસેસમાં કેટલાક તબક્કાઓ હોય છે જેની શરૂઆત માલિકો દ્વારા I-140 અરજીઓ ફાઈલ કરવાની સાથે થાય છે અને તે પછીનું મહત્ત્વનું સ્ટેજ સ્ટેટસનું એડજસ્ટમેન્ટ કરવા માટે I 485 ફાઈલ કરવાનું છે. ઈમિગ્રન્ટસ વ્યક્તિ એટલે કે વિદેશથી આવેલા કુશળ કર્મચારીઓ જ્યારે તેમના માલિકો પાસેથી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડ - (EAD) મેળવે તેમજ એડવાન્સ પેરોલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવે ત્યારે તેમને તેમની ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રોસેસ થાય ત્યાં સુધી કોઈ પણ માલિક સાથે કામ કરવાની છૂટ મળે છે. આ પ્રસ્તાવ સ્વીકારાશે તો હજારો ભારતીયો સહિત અનેકને તેના લાભ મળશે.

18 લાખ ગ્રીનકાર્ડ અરજીઓનો બેકલોગ
છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે મર્યાદિત સંખ્યામાં ગ્રીન કાર્ડ અપાય છે તેથી 1.8 મિલિયન ગ્રીન કાર્ડ અરજીઓનો બેકલોગ થયો છે. જેની માઠી અસર ચીન, ભારત, ફિલિપાઈન્સથી નોકરી માટે યુએસ આવેલા લોકોને વધારે થાય છે. કેટલાક કિસ્સામાં પ્રોસેસિંગ 5થી 20 વર્ષ અને કેટલાકમાં 50 વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. હાલના બેકલોગ મુજબ લોકોને તેમની જિંદગી પૂરી થાય ત્યાં સુધી ગ્રીન કાર્ડ મળે નહીં તેવી સ્થિતિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter