ટેક્સાસના હિન્દુ મંદિરમાંથી દાનપેટીની ચોરી

Tuesday 24th January 2023 11:53 EST
 
 

બ્રેઝોસ વેલી, ટેક્સાસઃ બ્રેઝોસ વેલીમાં એક માત્ર હિન્દુ મંદિર શ્રી ઓમકારનાથ ટેમ્પલમાં શુક્રવાર 11 જાન્યુઆરીએ ચોરો ત્રાટકતા કેટલીક મૂલ્યવાન ચીજવસ્તુઓ સાથે દાનપેટી ચોરાઈ હતી. ચોરીની આ ઘટનાથી યુએસમાં ભારતીય કોમ્યુનિટીને ભારે આઘાત લાગ્યો છે. સ્થાનિક હિન્દુઓ માટે આ મંદિર પૂજાઅર્ચના અને શાંતિ પ્રાપ્ત કરવાનું કોમ્યુનિટી સ્થળ છે. બ્રેઝોસ કાઉન્ટી શેરીફની ઓફિસે આ ચોરીની ઘટનામાં તપાસ કરાતી હોવાનું જણાવ્યું હતું.

બ્રેઝોસ વેલી શ્રી ઓમકારનાથ ટેમ્પલના બોર્ડ મેમ્બર શ્રીનિવાસા સુનકારીએ જણાવ્યા મુજબ આ એક પ્રકારના આક્રમણ જેવું લાગે છે. આવી ઘટના તમારા સાથે થાય ત્યારે પ્રાઈવસી છીનવાઈ ગયાનું લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,‘આ ઘરફોડ ચોરી છે. તેઓ બારીમાંથી અંદર ઘૂસ્યા હતા. અમારું ડોનેશન બોક્સ અને જેમાં કિંમતી વસ્તુઓ રાખીએ છીએ તે સેઈફ ગૂમ થઈ છે. મંદિરની પાછળના જ એપાર્ટમેન્ટમાં રહેતા પૂજારી અને તેમનો પરિવાર સહીસલામત છે.’

ટેમ્પલમાં રખાયેલા સિક્યુરિટી કેમેરામાં ઝડપાયેલા વીડિયોમાં એક વ્યકર્તિ સીધી જ ડોનેશન બોક્સ તરફ જતી દેખાય છે. શકમંદ ચોરે દાનપેટી અને સેઈફને મંદિરમાંથી બહાર લઈ જવા મંદિરના કાર્ટનો જ ઉપયોગ કર્યો છે.

સુનકારીએ જણાવ્યું હતું કે તેમણે 15 જાન્યુઆરી રવિવારે એકત્ર થયેલા કોમ્યુનિટીના સભ્યોને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારા પૂજારી, તેમનો પરિવાર અને અમારું પૂજાસ્થાન સલામત-સુરક્ષિત રહે તેની ચોકસાઈ માટે તમામ સાવધાનીના વધારાના પગલાં અમે લઈશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter