ટ્રમ્પની નીતિ બદલાય તે પહેલાં અમેરિકી નાગરિકત્વ લેવા ભારતીયોનો ધસારો

Tuesday 21st January 2020 06:25 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ૨૦૧૯ના ૩૦મી સપ્ટેમ્બરે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૮.૩૪ લાખ ઇમિગ્રન્ટને અમેરિકી નાગરિકતા આપવામાં આવી જે ૧૧ વર્ષની સૌથી વધુ છે. ૨૦૧૮ના વર્ષ કરતાં ૨૦૧૯માં ૯.૫ ટકા ઇમિગ્રન્ટને વધુ નાગરિકતા જારી કરવામાં આવી હતી. હવે ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને ચાલુ વર્ષે અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવાની ઇચ્છાના પગલે અમેરિકામાં વસવાટ કરતા ભારતીય ઇમિગ્રન્ટ અમેરિકાની નાગરિકતા મેળવવા ધસારો કરી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૯માં ૫.૭૭ લાખ વિદેશીઓને ગ્રીનકાર્ડ જારી કરાયાં હતાં. જે ૨૦૧૮ના નાણાકીય વર્ષની સરખામણીમાં ૪૭.૪ ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે.

૨૦૧૯ના નાણાકીય વર્ષમાં કુલ ૫૨,૧૯૪ ભારતમાં જન્મેલા ઇમિગ્રન્ટને અમેરિકાની નાગરિકતા અપાઇ હતી. જન્મના દેશના આંકડા ઉપલબ્ધ કરાવતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર અમેરિકાની નાગરિકતા મેળવનાર કુલ ઇમિગ્રન્ટમાં ૬.૯ ટકા ભારતીય હતા. જે અગાઉના વર્ષ કરતાં ૨.૭ ટકાનો વધારો દર્શાવે છે. સૌથી વધુ નાગરિકતા ૧.૩ લાખ મેક્સિકન ઇમિગ્રન્ટને જારી કરાઇ જ્યારે ૩૯,૬૦૦ નાગરિકતા સાથે ચીની ઇમિગ્રન્ટ આવે છે. અમેરિકી સરકાર દ્વારા ઇમિગ્રન્ટને નાગરિકતા અને ગ્રીન કાર્ડ આપવામાં જાણીજોઇને વિલંબ કરાઇ રહ્યો છે તેવી ટીકાના જવાબમાં યુએસસીઆઇએસે જણાવ્યું હતું કે, ગ્રીન કાર્ડની પડતર અરજીમાં ૧૪ ટકા અને નાગરિકતાની પડતર અરજીમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે.

૯.૨ લાખ ભારતીય ગ્રીનકાર્ડની રાહમાં

અમેરિકામાં હાલમાં ૯.૨ લાખ ભારતીય ઇમિગ્રન્ટની ગ્રીનકાર્ડ માટેની અરજીઓ પડતર છે. પાંચ વર્ષ ગ્રીન કાર્ડ સાથે અમેરિકામાં વસવાટ બાદ નાગરિકતા માટે અરજી કરી શકાય છે. અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનાર માટે આ સમયગાળો ૩ વર્ષનો છે. ૨૦૧૯માં ભારતમાં જન્મેલા ૫૯,૨૮૧ ઇમિગ્રન્ટને ગ્રીનકાર્ડ જારી કરાયા છે. ગ્રીનકાર્ડ મેળવવામાં ભારતીયોનો ચોથો નંબર છે. તેની પહેલા મેક્સિકો, ક્યુબા અને ચીનના ઇમિગ્રન્ટોનું સ્થાન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter