વોશિંગ્ટનઃ હશ મની ક્રિમિનલ કેસમાં ગ્રાન્ડ જ્યુરીએ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠરાવ્યા છે. જ્યુરીએ સર્વાનુમતે ઠરાવ્યું છે કે 2016ની પ્રમુખપદની ચૂંટણી પૂર્વે પોર્ન સ્ટારને તેનું મોં બંધ રાખવા માટે ચૂકવેલાં નાણાંની લેવડદેવડને સંતાડવા માટે ખોટો બિઝનેસ રેકોર્ડસ ઉભાં કરવા 34 મુદ્દે ટ્રમ્પ કસૂરવાર છે. આ સાથે જ ટ્રમ્પ ગંભીર ગુનામાં દોષી ઠર્યા હોય એવા અમેરિકાના પહેલાં પ્રમુખ બન્યા છે. 77 વર્ષના ટ્રમ્પે 2016માં પ્રમુખપદની ચૂંટણીઓ પૂર્વે એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ તેમના જાતીય સંબંધો બાબતે મોં ન ખોલે તે માટે 1.30 લાખ ડોલરની રકમનું હશ મની પેમેન્ટ સંતાડવા ખોટાં બિઝનેસ રેકોર્ડ ઉભાં કર્યા હતા.
અલબત્ત, આ ખટલામાં દોષિત ઠરવાથી નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં તેમની ઉમેદવારી પર કોઇ અસર થશે નહીં. ટ્રમ્પ આ ચુકાદા સામે એપલેટ ડિવિઝનમાં કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરશે તે ચોક્કસ છે. આ ખટલામાં 30 માર્ચ 2023ના રોજ તહોમત મૂકાયું હતું. એ પછી કોર્ટમાં છ અઠવાડિયા કરતાં વધારે સમય ચાલેલાં આ ખટલામાં અદાલતે 22 સાક્ષીઓની જુબાની સાંભળી હતી. જેમાં પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીએ પણ તેના જાતીય સંબંધોની વિગતો જણાવી હતી. કેસમાં બીજા સ્ટાર વીટનેસ માઇકલ કોહેન હતા જે એક સમયે ટ્રમ્પના એટર્ની હતા અને હવે દુશ્મન બની ગયા છે. તેમણે ટ્રમ્પને હશ મની સ્કીમમાં સીધા સંડોવ્યા હતા.
12 સભ્યોની જ્યુરીએ બે દિવસ દરમ્યાન 11 કલાક મસલત કર્યા બાદ સર્વસંમતિથી આપેલા ચુકાદાને વાંચી સંભળાવાયો ત્યારે ટ્રમ્પ અદાલતમાં ચૂપચાપ બેઠાં હતા. પ્રોસિક્યુટર્સની દલીલ હતી કે ચૂકવાયેલાં નાણાંને કાનુની ખર્ચ સ્વરૂપે દર્શાવી ટ્રમ્પે ચૂંટણી કાયદાનો ભંગ કર્યો છે.
વિસ્કોન્સિનમાં મિલવોકી ખાતે યોજાનારા રિપબ્લિકન નેશનલ કન્વેશનના ચાર દિવસ અગાઉ 11 જુલાઇએ ટ્રમ્પને સજા સંભળાવાશે. કન્વેશનમાં ટ્રમ્પને પાંચ નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે વિધિસર રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાશે.
ચુકાદો આવ્યા બાદ કોર્ટ બહાર ટ્રમ્પે ગુસ્સો ઠાલવતાં જણાવ્યું હતું કે આ શરમજનક છે. ભ્રષ્ટ ન્યાયાધીશ દ્વારા ચલાવાયેલો આ ખટલો પહેલેથી જ બોગસ છે. તેમણે અમને સ્થળ બદલવા ન દીધું. ખરો ચુકાદો તો લોકો દ્વારા પાંચ નવેમ્બરે આપવામાં આવશે. લોકો જાણે છે કે અહીં શું બન્યું છે. અમે કશું ખોટું કર્યું નથી. હું નિર્દોષ છું, હું મારા દેશ માટે લડી રહ્યો છું. હું આપણાં બંધારણ માટે લડી રહ્યો છું.
ટ્રમ્પને કેટલી સજા થઈ શકે?
ટ્રમ્પને 11 જુલાઈએ જજ જુઆન એમ. મરચાન દ્વારા સજા સંભળાવાશે. ન્યૂયોર્કમાં ખોટાં બિઝનેસ રેકોર્ડ બનાવવા એ સૌથી નીચા દરજ્જાનો ક્લાસ-ઈ ફેલોની ગુનો છે. જેની માટે મહત્તમ ચાર વર્ષ જેલની સજા થઇ શકે છે. અન્ય સજા પ્રોબેશન અથવા દંડ પણ થઈ શકે છે. શક્ય છે કે જ્યાં સુધી તમામ અપીલ પુરી ન થાય ત્યાં સુધી ન્યાયાધીશ ટ્રમ્પને સજા ન પણ કરે. ટ્રમ્પ સામે બીજા ત્રણ કેસમાં વધારે ગંભીર સજા થવા શક્યતાઓ છે. જોકે આ કેસ નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણીઓ પૂર્વે ચાલે તેમ લાગતું નથી.
ચૂંટણી પર શું અસર પડશે?
ટ્રમ્પને દોષિત ઠરાવાયા તેથી તેમને પ્રમુખ બનતાં કે તેમને મત આપતાં અટકાવી શકાય નહીં. તેઓ જ્યાં સુધી ન્યૂયોર્ક સ્ટેટમાં જેલ બહાર રહે ત્યાં સુધી તેઓ ફલોરિડામાં મતદાન પણ કરી શકે છે. ટ્રમ્પની પૂત્રવધુ લારા ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ટ્રમ્પને ઘરમાં નજરકેદ કરાશે તો તેઓ વર્ચ્યુઅલ રેલીઓ કાઢશે.