વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં ચૂંટણીમાં જ્યોર્જિયામાં દખલગીરી કરવાના કેસમાં ગયા શુક્રવારે સરેન્ડર કર્યું હતું. ટ્રમ્પ જ્યોર્જિયાની ફુલ્ટન કાઉન્ટી જેલમાં હાજર થયા હતા. તેમને 20 મિનિટ સુધી જેલમાં રખાયા હતા અને જેલમાં તેમનો મગશોટ બન્યો હતો. એટલે કે ટ્રમ્પનો એક કેદી તરીકે ફોટો પડ્યો હતો, અને આ વિગતો સાથે દસ્તાવેજ બન્યા હતા.
આ વિગતો ખુદ ટ્રમ્પે ટ્વિટરમાં શેર કરી હતી. લાંબા સમય પછી ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું. કેપિટલ હિલની હિંસા વખતે છેલ્લું ટ્વિટ થયું હતું. સરેન્ડર કરતાં પહેલાં જ્યારે ટ્રમ્પ જ્યોર્જિયાની જેલ માટે રવાના થયા ત્યારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેની જાણકારી આપી હતી. 20 મિનિટ બાદ ટ્રમ્પને બે લાખ ડોલરના બોન્ડ પર જામીન મળી ગયા હતા.
પહેલી વખત પૂર્વ પ્રમુખ જેલમાં
અમેરિકાના રાજકીય ઈતિહાસમાં એવો પહેલો બનાવ બન્યો હતો કે એક પૂર્વ પ્રમુખને જેલમાં જવું પડ્યું હોય. 2020માં પ્રમુખપદની ચૂંટણીમાં ગરબડો કર્યાના આરોપ હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ ચાલી રહ્યો છે અને આરોપ લાગ્યો છે. એ કેસમાં ટ્રમ્પ જ્યોર્જિયાની ફુલ્ટન કાઉન્ટી જેલમાં સરેન્ડર કરવા માટે પહોંચ્યા હતા. ટ્રમ્પની જેલમાં ધરપકડ થઈ હતી અને તેમને 20 મિનિટ સુધી જેલમાં ધકેલી દેવાયા હતા. જોકે, કાઉન્ટીની ઓફિસમાંથી કહેવાયું હતું કે ટ્રમ્પની ઔપચારિક રીતે જ ધરપકડ કરવામાં આવી હતી.
કેદી ટ્મ્પનો મગશોટ બન્યો
એક કેદી સાથે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એવી તમામ પ્રક્રિયા ટ્રમ્પ સાથે કરવામાં આવી હતી. ટ્રમ્પનો મગશોટ બન્યો હતો. મગશોટ એટલે એવી પ્રક્રિયા જેમાં કેદીની મૂળભૂત વિગતો ફોટો સાથે તૈયાર થાય છે. એક દસ્તાવેજ, જેમાં આરોપીને કેદી નંબર આપવામાં આવે છે. મગશોટમાં ડોનાલ્ડ ટ્રમ્પની વિગતો નોંધવામાં આવી હતી. જેમાં તેમની વય 77 વર્ષ, વજન 97 કિલો અને ઊંચાઈ 6.3ફૂટ નોંધવામાં આવી હતી. આવી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ તેમ જ ચૂંટણીમાં ગરબડીના આરોપની વિગતો ટાંકવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે મગશોટની વિગતો ટ્વિટરમાં શેર કરી હતી.
મગશોટ પ્રમાણે ટ્રમ્પ પીઓ 1135809 નંબરના કેદી બન્યા. જેલની બહાર હજારો ટ્રમ્પ સમર્થકો અમેરિકન ધ્વજ લઈને દેખાવો કરવા આવી પહોંચ્યા હતા. બીજા બધા ગુનેગારોની જેમ ટ્રમ્પે પણ એક આરોપી તરીકે ફોટો પડાવવો પડ્યો તેની નોંધ લઈને અમેરિકન મીડિયાએ કહ્યું હતું કે હવે એક એવા પ્રમુખ પણ છે, જેનો કેદી નંબર બન્યો છે. જોકે, ટ્રમ્પ હજુ અપરાધી જાહેર થયા નથી. અમેરિકાના કાયદા પ્રમાણે જ્યાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ ગણાય છે. મગશોટ એક અર્થમાં ગુનાખોરીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને વ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશના રૂપમાં ગણવામાં આવે છે. ઘણાં લોકોએ મગશોટને શરમજનક બાબત ગણાવી હતી.
બહુ ખેદજનક ઘટનાઃ ટ્રમ્પ
આ સંદર્ભમાં ટ્રમ્પે કહ્યું હતું કે ચૂંટણી ન લડી શકું તે માટે આ આરોપનામું ઘડાયું છે. મારો મગશોટ લેવાયો તે અમેરિકાના ઈતિહાસમાં બહુ ખેદજનક ઘટના છે. આ દિવસ બહુ દુખદ છે. ટ્રમ્પ હાજર થવાના હોવાથી જેલની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલાન્ટા એરપોર્ટ પરથી કડક સુરક્ષા વચ્ચે ટ્રમ્પે જેલ સુધી લાવવામાં આવ્યા હતા અને જામીન મળ્યા બાદ ફરીથી પુરતી સુરક્ષા વચ્ચે તેમને એ૨પોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એક જ વર્ષમાં આ ચોથી વખત ટ્રમ્પ પર ગુનાખોરીનો આરોપ લાગ્યો છે. જોકે, અગાઉ તેમને જેલમાં ધકેલાયા ન હતા. આ પહેલી વખત જેલમાં મોકલીને તેમને મગશોટ બનાવાયો હતો.