ભારત-અમેરિકાની મૈત્રીમાં નવું પ્રકરણ ઉમેરતી બાઇડેન-મોદી મુલાકાત

Thursday 30th September 2021 04:40 EDT
 
 

વોશિંગ્ટન: ઉષ્માપૂર્ણ માહોલમાં યોજાયેલી દ્વિપક્ષીય મુલાકાતમાં આ બંને નેતાઓએ કોરોના મહામારી સામેની લડાઇથી માંડીને ક્લાઇમેટ ચેન્જ, આર્થિક સહકાર સહિતના અનેક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. પ્રમુખ બાઇડેન સાથેની મુલાકાતના પ્રારંભે કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મને અને મારા પ્રતિનિધિમંડળના કરેલા ઉષ્માભર્યા આવકાર માટે હું તમારો આભારી છું. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૬માં આપણી વચ્ચે થયેલી વાતચીત મને યાદ આવે છે. એ મુલાકાતોમાં તમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનું વિઝન રજૂ કર્યું હતું. તમને એ વિઝન માટે કામ કરતા જોઇ અમને ઘણો આનંદ થાય છે. આજે આપણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માટેના તમારા વિઝનના અમલ માટે પગલાં લઇ રહ્યાં છીએ.
પ્રમુખ બાઇડેને વડા પ્રધાન મોદીને આવકાર કરતાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ થઇ રહ્યો છે. ૪૦ લાખ ભારતીય મૂળના અમેરિકનો અમેરિકાને દિન-પ્રતિદિન વધુ મજબૂત બનાવી રહ્યાં છે. હું તમને લાંબા સમયથી ઓળખું છું. તમે વ્હાઇટ હાઉસની ફરી મુલાકાતે આવ્યા તેથી હું પ્રસન્ન છું. તમે અમારા ઇતિહાસ અને આપણા સંબંધોથી સુપરિચિત છો. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત સંબંધો નિર્ધારિત છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી વચ્ચેના સુદૃઢ, નિકટવર્તી અને મજબૂત સંબંધો નિર્ધારિત મંઝિલ ધરાવે છે.
બાઇડેન સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીના ત્રીજા દાયકાના પ્રથમ વર્ષમાં આપણે જે બીજ વાવી રહ્યાં છીએ તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આ ગાઢ સંબંધો સમગ્ર વિશ્વમાં લોકશાહીઓ માટે પરિવર્તનશીલ પુરવાર થશે.
દ્વિપક્ષીય સંબંધોમાં વેપારની ભૂમિકા મહત્ત્વની
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વેપાર મહત્ત્વની ભૂમિકા ભજવતો રહેશે. ટેકનોલોજી પણ વિશ્વની સુખાકારી માટે ચાલક પરિબળ બની રહી છે. આપણે વિશ્વને વધુ ખુશહાલ બનાવવા માટે આપણી ટેલેન્ટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે.
મહાત્મા ગાંધીની વિચારધારાનું સ્મરણ
પ્રમુખ બાઇડેન સાથેની મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધીના કથનો ટાંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી હંમેશા વૈશ્વિક વિશ્વસનીયતાની વાત કરતા હતા. પ્રવર્તમાન સમયમાં દુનિયાની સુખાકારી માટે મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતોની તાતી જરૂરત છે. પ્રમુખ બાઇડેને આ મુલાકાત દરમિયાન આગામી દિવસોમાં આવી રહેલી ગાંધી જયંતીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન મોદીનો સાતમો યુએસ પ્રવાસ
વડા પ્રધાન પદે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીનો આ સાતમો અમેરિકા પ્રવાસ હતો. ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે મોદી પહેલીવાર અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. ૨૦૧૫ના પ્રવાસમાં તેમણે અમેરિકી કંપનીના સંખ્યાબંધ સીઇઓ સાથે મુલાકાત કરી હતી. ૨૦૧૬માં વડા પ્રધાન મોદી બે વાર અમેરિકા ગયા હતા. પરમાણુ સુરક્ષા સમિટમાં ભાગ લીધા બાદ જૂનમાં તેમણે અમેરિકી સંસદને પણ સંબોધન કર્યું હતું. ૨૦૧૭માં પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત થઇ અને વ્હાઇટ હાઉસમાં મોદીના માનમાં ભવ્ય ભોજન સમારોહ યોજાયો હતો. ૨૦૧૯માં તેઓ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થવા અમેરિકા ગયા હતા. ૨૦૨૧માં સાતમી વાર વડા પ્રધાન મોદી યુએસ પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચેનાં સબંધો મજબૂત બનાવવાનું કામ થયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter