વોશિંગ્ટનઃ વિશ્વના અંત અને પ્રલયની વાતો અવારનવાર સાંભળવા મળે છે, અને આવી વાત સાંભળવા મળે છે ત્યારે લોકોના મનમાં પહેલો સવાલ ઉઠતો હોય છે કે આમાંથી બચવું કઇ રીતે? આ સવાલનો જવાબ છે ડુમ્સ-ડે બંકર. અમેરિકાના સાઉથ ડાકોટામાં બનાવાયેલા આ બંકર ગમેતેવી કુદરતી કે માનવસર્જિત આફત સામે બચાવવા સક્ષમ છે. આ બંકરો પરમાણુ હુમલા, મહામારી અને સુનામીનો સામનો કરવા પણ સક્ષમ છે.
સમગ્ર પ્રોજેક્ટને વિવોસ-એક્સ પોઈન્ટ નામ અપાયું છે. અહીં 575 બંકરો તૈયાર કરાયા છે. અને આ બંકરો સુધી પહોંચવા માટે 160 કિલોમીટર લાંબા રસ્તા પણ બનાવાયા છે. બંકરોની મજબૂતાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે 10 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળા વિનાશક ભૂકંપ, 676 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન અને 724 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે પણ ઝીંક ઝીલી શકે છે.
વર્ષે એક બંકરનું નિર્માણ
દરેક બંકર લગભગ 2200 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા છે અને 10થી માંડીને 24 વ્યક્તિઓ લાગલગાટ એક વર્ષ સુધી તેમાં આરામથી રહી શકે તેવી વ્યવસ્થાથી સજ્જ છે. દરેક બંકર બીજા બંકરથી 400 ફૂટના અંતરે છે. અહીં એક બંકરની કિંમત લગભગ 46 લાખ રૂપિયા છે. બંકરોમાં કિચન, પ્રાઈવેટ બેડરૂમ, માસ્ટર રૂમ, જિમ, લોન્ડ્રી, સોફા, કોફી ટેબલ ઉપરાંત જરૂરિયાત મુજબ ડિઝાઈન કરાયેલ તબીબી સુવિધાઓ મેળવી શકાય તેવી વ્યવસ્થા પણ છે. અહીં વિશ્વનું પ્રથમ પ્રાઈવેટ ડીએનએ વોલ્ટ પણ હશે, જ્યાં બંકર ધારકને પોતાના ડીએનએ સાચવવાની વ્યવસ્થા મળી રહેશે. લોખંડ કરતાં પણ મજબૂત એવું આ આ બંકર બનાવતાં એક વર્ષ લાગે છે. હાલમાં લગભગ 5 હજાર લોકો અહીં રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.