મિસ વર્લ્ડ અમેરિકાનો તાજ પ્રથમ વખત ભારતીય અમેરિકન શ્રી સૈનીના શિરે

Tuesday 12th October 2021 16:32 EDT
 
 

લોસ એન્જલસઃ વોશિંગ્ટન સ્ટેટની શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧નો તાજ જીતનારી પ્રથમ ભારતીય અમેરિકન બની હતી. હાર્ટ હેલ્થની હિમાયતી સૈની ૧૨ વર્ષની હતી ત્યારથી તેના શરીરમાં કાયમ માટે પેસમેકર મૂકાયું છે અને એક કાર અકસ્માતમાં તેનો ચહેરો સંપૂર્ણપણે બળી ગયો હતો. લોસ એન્જલસમાં મિસ વર્લ્ડ અમેરિકા હેડક્વાર્ટર્સ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ડાયના હેડને શ્રી સૈનીને તાજ પહેરાવ્યો હતો. શ્રી સૈની વિશ્વસ્તરે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ ભારતીય અમેરિકન સ્પર્ધક પણ છે.

શ્રી સૈનીએ જણાવ્યું કે તે ખૂબ ખુશ છે અને નર્વસ પણ છે. તે પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ નથી. શ્રી સૈનીએ ઉમેર્યું કે આનો તમામ યશ તેના માતાપિતા અને ખાસ કરીને માતાને ફાળે જાય છે, કારણ કે તેમના સપોર્ટથી તે અહીં સુધી પહોંચી છે.

મિસ વર્લ્ડ અમેરિકાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સમાચાર મૂકાયા હતા કે, હાલની મિસ વર્લ્ડ અમેરિકા વોશિંગ્ટન ‘MWA National Beauty with a Purpose Ambassador' નું પ્રતિષ્ઠિત સ્થાન પણ ધરાવે છે. શ્રી સૈનીએ થાક્યા વિના કમનસીબ અને જરૂરતમંદ લોકોને મદદ કરીને આ સ્થાન મેળવ્યું છે. અગાઉ ન્યૂ જર્સીના ફોર્ડ્સ સિટીમાં યોજાયેલી સ્પર્ધામાં શ્રી સૈની મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૧૮ બની હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter