યુએસના ચાર રાજ્યોમાં ભારતીય, એશિયન જ્વેલરી શોપ્સને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ

Tuesday 05th September 2023 13:11 EDT
 

ન્યૂ યોર્કઃ ઈસ્ટ કોસ્ટ યુએસના ચાર રાજ્યોમાં ભારતીય અને અન્ય એશિયન જ્વેલરી શોપ્સને સતત એક વર્ષથી ચોરી અને લૂંટનું નિશાન બનાવી ત્રાસ ફેલાવનારી 16 વ્યક્તિની ગેંગને આખરે ઝડપી લેવાઈ છે. એફબીઆઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડેવિડ સન્ડબર્ગના જણાવ્યા મુજબ સશસ્ત્ર લૂંટોમાં હજારો ડોલર્સની આઈટમ્સની ચોરી કરવામાં આવી હતી. ચોરી અને લૂંટનું નિશાન બનેલા મોટા ભાગના બિઝનેસીસ પરિવારની માલિકીના અને તેમના થકી સંચાલિત હતા.

વોશિંગ્ટન ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા ચાર્જશીટમાં નવ જ્વેલરી શોપ્સની યાદી છે જે નોર્થઈસ્ટના ન્યૂ યોર્કના સબર્બ જર્સી સિટી અને પેન્સિલ્વાનિયાથી માંડી સાઉથઈસ્ટમાં વર્જિનિયાથી ફેલોરિડા સુધીમાં આવેલી છે. કોર્ટ દસ્તાવેજમાં આ શોપ્સનો ઉલ્લેખ સાઉથ એશિયન તરીકે થયો છે અને તેમાંથી ચાર શોપ્સ ભારતીય મૂળના લોકો દ્વારા ચલાવાતી હોવાનું જણાવાયું છે. કોર્ટ દસ્તાવેજો મુજબ ગત વર્ષ અને આ વર્ષના જાન્યુઆરી સુધીના ગાળામાં લૂંટારાઓએ સાઉથ એશિયન જ્વેલર્સની ઓળખ કરી હતી અને શસ્ત્રસજ્જ થઈ ચહેરા ઢાંકી, કાળા વસ્ત્રો અને હાથમોજાં પહેરી દુકાનો પર ત્રાટક્યા હતા. આ લૂંટારું ગેંગે ચોરીના વાહનોનો ઉપયોગ કર્યો હોવાનું પણ ચાર્જશીટમાં જણાવાયું હતું.

ચાર લૂંટ અને મની લોન્ડરિંગનો આરોપ લગાવાયેલા લૂંટારાઓમાં એક ટ્રેવર વ્હાઈટે ‘તાલિબાન ગ્લિઝી’ ઉપનામ ધારણ કર્યું હતું. લૂંટારું ગેંગના સભ્યો સામે 19 આરોપો લગાવાયા છે અને સાઉથ એશિયન્સને લક્ષ્ય બનાવાયા હોવા છતાં, કોઈ પણ આરોપ વંશીય પૂર્વગ્રહ કે તિરસ્કારથી સંબંધિત નથી. સમગ્ર યુએસમાં સામાન્ય રીતે ભારતીયો અને અન્ય એશિયનો પાસે મોટા પ્રમાણમાં જ્વેલરી અને રોકડ રકમો હોવાની માન્યતાથી તેમના ઘરને નિશાન બનાવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter