વિનાશક પૂરે છ ભારતવંશીનો ભોગ લીધો

Thursday 09th September 2021 04:50 EDT
 
 

ન્યૂ યોર્કઃ ઇડા વાવાઝોડાને પગલે ન્યૂ યોર્ક - ન્યૂ જર્સીમાં આવેલા વિનાશક પૂરથી ભારતીય મૂળના છ લોકોનાં મોત થયા હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું છે. આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ૨૯મી ઓગસ્ટે ત્રાટકેલું વાવાઝોડું ઈડા ૨૦૦૫માં આવેલા કેટરીના વાવાઝોડા પછીનું સૌથી ઘાતક વાવાઝોડું છે. ઇડા વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌથી વધુ મોત ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને લુસિયાનામાં થયા છે. મીડિયાના અહેવાલ અનુસાર વુડબ્રિજના રહેવાસી ૫૬ વર્ષીય સુનંદા તેમના ઘરની બહાર ચાલી રહ્યા હતા ત્યારે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
બીજા એક દુખદ બનાવમાં ૪૬ વર્ષીય સોફ્ટવેર ડિઝાઇનર માલતી કાંચે પોતાની ૧૫ વર્ષીય દીકરીને લઇને પોતાના ઘરે જઇ રહ્યાં હતાં ત્યારે તેમના વાહનને વાવાઝોડું નડયું હતું. ન્યૂ જર્સીના બ્રિજવોટરના રૂટ ૨૨ પાસે પૂરના પાણીમાં તેમની કાર ફસાઇ ગઇ હતી અને બંધ થઇ ગઇ હતી. આ પછી માતા-પુત્રીએ કારમાંથી બહાર નીકળીને એક ઝાડને પકડીને પૂરના ધસમસતા પ્રવાહ સામે ટકી રહેવા પ્રયાસ કર્યો હતો. કમનસીબે પૂરના પ્રચંડ પ્રવાહના કારણે વૃક્ષ તૂટી પડતાં તેઓ બન્ને તણાઈ ગયા હતા. શરૂઆતમાં સત્તાવાળાઓએ માલતી કાંચે અને તેમની પુત્રીને લાપતાની યાદીમાં રાખ્યા હતાં. જોકે ત્રીજી સપ્ટેમ્બરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
૩૧ વર્ષીય ધનુષ રેડ્ડી ન્યૂ જર્સીના સાઉથ પ્લેનફીલ્ડમાં પૂરના પાણીમાં ફસાયા હતાં. પૂરના પાણીને કારણે તેમની કારનું સંતુલન ખોરવાઇ ગયું હતું. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર પૂરના પ્રચંડ પ્રવાહને કારણે રેડ્ડી ૩૬ ઇંચ પહોળી ડ્રેનેજ પાઇપમાં ધકેલાઇ ગયા હતાં. બાદમાં તેમનો મૃતદેહ અનેક માઇલ દૂરથી મળી આવ્યો હતો. એક અન્ય ઘટનામાં ધર્મેશ્વરના પત્ની અને તેમનું સંતાન પૂરના પાણીમાં દૂર સુધી વહી ગયા હતા અને તેમના મૃત્યુ નીપજ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter