વોશિંગ્ટન: અમેરિકાનાં વિઝા મેળવવામાં ભારતીયોએ સતત બીજા વર્ષે તમામ રેકોર્ડ તોડયા છે. વર્ષ 2024માં 10 લાખથી વધુ ભારતીયોને વિઝા અપાયા છે. આ ઉપરાંત અમેરિકામાં રહીને જોબ કરતા ભારતીય પ્રોફેશનલ્સનાં H-1B વિઝા રિન્યુ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયો છે. 2024માં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,31,000ને પાર થઈ છે. ભારતમાં કાર્યરત અમેરિકાની એમ્બેસીએ જણાવ્યું હતું કે 2024માં સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન ઈમિગ્રન્ટસને વિઝા અપાયા હતા. જેમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં પર્યટક વિઝા સામેલ છે. આ આંકડો ભારતમાંથી અમેરિકા જવાનો ક્રેઝ વધી રહ્યો હોવાનો નિર્દેશ કરે છે. ખાસ કરીને પર્યટન, વેપાર અને શિક્ષણ માટે ભારતીયો અમેરિકા જવા માંગતા હોય છે. ધાર્મિક પ્રવાસ માટે પણ અમેરિકા જનારા વધ્યા છે.
ભારત અમેરિકામાં સૌથી વધુ વિદ્યાર્થી મોકલનાર દેશ
ભારતે 2008-09 પછી 2024માં પહેલી વાર સૌથી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા છે. આમ તે અમેરિકામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મોકલનારો દેશ બન્યો છે. આ વર્ષે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યા 3,31,000થી વધારે છે. ભારતનાં સ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે. જે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ પર પહોંચી છે.