વોશિંગ્ટન: યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટસને અમેરિકાથી ડિપોર્ટ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવ્યા પછી ત્યાં કામ કરતી વિદેશી કર્મચારીઓ કે જેઓ H-1B વિઝા પર ત્યાં કામ કરી રહ્યા છે તેવા લોકો ડિપોર્ટેશનનાં ભય વચ્ચે જીવી રહ્યા છે. તેમને ડિપોર્ટેશનનો ખોફ સતાવી રહ્યો છે. ખાસ કરીને આઇટી પ્રોફેશનલ્સમાં ખોફ વધ્યો છે.
ગૂગલ-એમેઝોનના કર્મચારીઓને દેશ નહીં છોડવા સુચના
બીજી તરફ, ખોફનાં આ વાતાવરણ વચ્ચે ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓએ H-1B વિઝા ધારકોને અમેરિકા નહીં છોડવા ચેતવણી આપી છે. આ કંપનીઓને પણ એવો ડર છે કે એક વખત અમેરિકા છોડ્યા બાદ હજારો H-1B વિઝાધારકોને ફરી અમેરિકા પાછા ફરવા મંજૂરી આપવામાં આવશે નહીં. આવા સંજોગોમાં H-1B વિઝા ધારકોની સ્થિતિ અનિશ્ચિતતા વચ્ચે અટવાઈ ગઈ છે. અમેરિકામાં એવી આશંકા ફેલાઈ રહી છે કે આવનારા દિવસોમાં ટ્રમ્પ સરકાર દ્વારા હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સનાં વિઝા અસ્વીકારવાનો દર વધી શકે છે.