200 સર્વકાલીન શ્રેષ્ઠ ગાયકમાં લતા મંગેશકર

Saturday 14th January 2023 07:07 EST
 
 

પ્રખ્યાત અમેરિકન મેગેઝિન ‘રોલિંગ સ્ટોન’ દ્વારા જાહેર કરાયેલા 200 સર્વશ્રેષ્ઠ ગાયકોના લિસ્ટમાં દિવંગત ભારતરત્ન લતા મંગેશકરનું નામ પણ સામેલ છે. યાદીમાં 84મા ક્રમે લતાજી છે તો દિવંગત પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનની સાથે દક્ષિણ કોરિયન ગાયક-ગીતકાર લી જી-ઈનના નામ પણ આમાં જોવા મળે છે.
સ્વર્ગસ્થ લતા મંગેશકરના માનમાં મેગેઝિનમાં લખવામાં આવ્યું છેઃ ‘મેલોડી ક્વીનનો અવાજ, ભારતીય સંગીત માટે પાયાના પથ્થર સમાન છે. વૈશ્વિક રીતે તેમનો પ્રભાવ બોલિવૂડ ફિલ્મો દ્વારા પહોંચ્યો છે. લતાજી પ્લેબેક સિંગર્સનાં મહારાણી હતાં. તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન તેમના અવાજથી અનોખો જાદુ ફેલાવ્યો હતો. હજારો ગીતોને અવાજ આપીને તેમણે સુમધુર કર્યા છે.’ આ યાદીમાં લતા મંગેશકર એકમાત્ર ભારતીય ગાયિકા છે. ભારતને મળેલી આ સિદ્ધિ પર દિગ્ગજ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે, ‘લતાજીને મળેલા સન્માન અંગે જાણીને હું આનંદિત છું. તેઓ માત્ર 200 શ્રેષ્ઠ સિંગર્સમાં સામેલ નથી, પરંતુ તેઓ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ગાયિકા છે.’ આ યાદીમાં સામેલ અન્ય કેટલાક પ્રખ્યાત ગાયકોમાં એડેલે, પોલ મેકકાર્ટની, ડેવિડ બોવી, લુઈ આર્મસ્ટ્રોંગ, એરિયાના ગ્રાન્ડે, લેડી ગાગા, રિહાન્ના, એમી વાઈનહાઉસ, માઈકલ જેક્સન, બોબ માર્લી, એલ્ટન જોન, ટેલર સ્વિફ્ટ, ઓઝી ઓસ્બોર્ન અને બિલી ઈલિશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter