વોશિંગ્ટનઃ ‘આયર્ન લંગ્સ’ એટલે કે લોખંડના ફેફસાંના સહારે 70 વર્ષથી જીવી રહેલા વાલેપોલ એલેકઝાન્ડરનું અવસાન થયું છે. 78 વર્ષની ઉંમરના એલેકઝાન્ડર ‘પોલિયો પોલ’ના નામથી જાણીતા હતા. પોલ એલેઝાન્ડરને 1952માં છ વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. પોલિયોની સારવાર માટે ટેકસાસની હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. પોલિયો ઉપરાંત એલેકઝાન્ડરના ફેફસાં ખરાબ હોવાથી લોખંડમાંથી બનેલા બોકસ (આયર્ન લંગ્સ)માં રાખવામાં આવ્યા હતા. આ બોકસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન પસાર કર્યું હતું. આથી જ તો તેમને દુનિયા ‘ધ મેન ઇન ધ આયર્ન લંગ્સ’ તરીકે ઓળખતી હતી. તેમણે 11 માર્ચના રોજ આ મશીનની અંદર જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
1946માં જન્મેલા પોલ એલેકઝાન્ડરેને પોલિયો થવાથી ગર્દનની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો હતો. તેઓ શ્વાસ પણ લઇ શકતા ન હતા. શ્વાસ લેવા માટે 600 પાઉન્ડના આયર્ન મશીનની અંદર રાખવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું વેટિલેટર હતું, જેમાં શરીર મશીનની અંદર જયારે માત્ર ચહેરો જ બહાર હોય છે. એ સમયે આયર્ન બોકસ જેવું મશીન શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે વપરાતું હતું. ખાસ કરીને જેના ફેફસાં કામ કરતા બંધ થઇ જાય તેમના માટે આ મશીન વરદાનરૂપ સાબિત થતું હતું. તેઓ આ મશીનની મદદથી શ્વાસ લઇને સાત દાયકા સુધી જીવતા રહયા હતા.
પોલની જીજીવિષા અને હિંમત પ્રેરણાદાયી
1928માં બનેલા આ મશીનમાં રહેનારા પોલ એક માત્ર વ્યકિત હતા. બાદમાં આધુનિક મશીન શોધાયા તેમ છતાં પોલે જૂના મશીનમાં જ રહેવાનું નકકી કર્યું હતું. ફેફસાં ખલાસ થઇ ગયા હોવા છતાં આ મશીનની મદદથી જ શ્વાસ લઇ શકતા હતા. પોતાના જીવનને મશીનને અનુરૂપ ગોઠવી દીધું હતું. જીવનમાં કોઇ પણ પરિસ્થિતિ સામે હાર નહી માનવી એ તેમના જીવનનો મૂળ મંત્ર હતો. નાની વાતમાં પરેશાન થઇ જનારા લોકો માટે પોલની જીજીવિષા અને હિંમત પ્રેરણા આપનારા હતા. આયર્ન લંગ્સ મશીનમાં રહીને અભ્યાસ કર્યો. એટલું જ નહી બાળકોને પણ ભણાવ્યા હતા. પોલના ભાઇ ફિલિપે મૃત્યુની જાહેરાત કરીને ભાઇના ઇલાજ માટે દાન કરનારા સૌનો આભાર માન્યો હતો. જીવનના છેલ્લા કેટલાક વર્ષો તણાવમુકત રહી શકયા તેના માટે સૌનો આભાર વ્યકત કર્યો હતો.