અદભૂત - અવિશ્વસનીય - અતુલનીય

4500 વર્ષ પૂર્વે એક બીજમાંથી ઉગેલો છોડ 180 ચોરસ કિમીમાં ફેલાયેલો છે

Saturday 18th June 2022 07:07 EDT
 
 

પર્થઃ ઓસ્ટ્રેલિયાના છેક પશ્ચિમ ક્ષેત્રે શાર્ક બેમાં સમુદ્રીય ઘાસ અંગે આશ્ચર્યજનક હકીકત બહાર આવી છે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે અત્યાર સુધી જેને પાણીની નીચે ફેલાયેલું ઘાસ સમજવામાં આવતું હતું તે ખરેખર તો એક છોડ જ છે. અને આ છોડ પણ સામાન્ય નથી. આશરે 4500 વર્ષ પહેલાં તે એક જ બીજમાંથી ઊગી નીકળેલો છોડ છે. તેની ખાસિયત એ છે કે આ સમુદ્રીય ઘાસ ૧૮૯ ચોરસ કિમીમાં ફેલાયેલો એક છોડ છે.  વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના નિષ્ણાત સંશોધકો શાર્ક બેમાં સામાન્ય રીતે મળી આવતા ઘાસ રિબન વીડ પ્રજાતિની જિનેટિક વૈવિધ્યને સમજવા ગયા હતા. આ દરમિયાનમાં તેમણે સમગ્ર ખીણના નમૂના એકત્રિત કર્યા અને 18,000 જિનેટિક માર્કર્સનો અભ્યાસ કર્યો. જેથી દરેક નમૂનાની એક ફિંગરપ્રિન્ટ તૈયાર કરી શકાય.

વાસ્તવમાં સંશોધકો જાણવા માંગતા હતા કે કેટલા છોડ મળીને સમુદ્રીય ઘાસનું આખું મેદાન તૈયાર કરે છે. આ શોધ પ્રોસિડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બીમાં પ્રકાશિત થઇ છે. અભ્યાસ કરનારી ટુકડીનું નેતૃત્વ જેન એડગેલોએ કર્યું હતું.
એડગેલોનું કહેવું છે કે શાર્ક બેમાં માત્ર એક છોડ છે, અને તે ૧૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ પૃથ્વી પર અત્યાર સુધીમાં મળી આવેલો આ સૌથી મોટો છોડ છે, જે ખરેખર અદભુત છે. જે સંપૂર્ણ ખીણમાં અલગ-અલગ સ્થિતિમાં પણ ઊગેલો છે. જેન એડગેલોના સાથી ડો. એલિઝાબેથ સિંકલેયર જણાવે છે કે છોડ ફૂલો વિના ખીલ્યો અને બીજનું ઉત્પાદન પણ થયું. આ છોડ બહુ મજબૂત છે. તે વિવિધ પ્રકારના તાપમાન અને તીવ્ર પ્રકાશ જેવી સ્થિતિમાં પણ ટકી રહ્યો છે. જ્યારે મોટા ભાગના બીજા છોડ માટે આવા માહોલમાં અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ હોય છે.
શાર્ક બે વર્લ્ડ હેરિટેજમાં સામેલ એક વિશાળ ખીણ છે. જ્યાંનું સમુદ્રીય જીવન વિજ્ઞાનીઓ અને પર્યટકોને વિશેષ આકર્ષિત કરે છે. વિવિધ પરિસ્થિતિઓમાં પણ આ છોડ કેવી રીતે જીવિત રહ્યો છે તે જાણવા શોધકર્તાઓએ હવે અહીં શ્રેણીબદ્ધ પ્રયોગો હાથ ધર્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter