ઢાકા: બાંગ્લાદેશના નેતાઓ ભારત સાથે લડી લેવાનાં સપનાં જોઈ રહ્યા છે પરંતુ ત્યાંના આર્મી ચીફ વકાર ઉઝ-ઝમાને તેમને સાફ સંદેશો આપી દીધો છે. તેમનું કહેવું છે કે ભારત સાથેના આપણા સંબંધ ખાસ છે, આપણે ક્યારેય ભારત વિરુદ્ધ ન જઈ શકીએ. બાંગ્લાદેશમાં બંધારણ બદલવા અને આર્મી ચીફને હટાવવાના સમાચારો વચ્ચે વકાર ઉઝ-ઝમાનનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ છે. સેના પ્રમુખ ઝમાને કહ્યું કે, ઢાકા ઘણી બધી રીતે નવી દિલ્હી પર આધારિત છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશના ઘણા લોકો સારવાર માટે ભારત જાય છે અને ભારતમાંથી ઘણો બધો સામાન આયાત કરાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લેવડદેવડનો સંબંધ છે. તેમણે કહ્યું કે આ સંબંધ કશા ભેદભાવ વગર હોવા જોઈએ, બાંગ્લાદેશે સમાનતાના આધારે સારા સંબંધ જાળવી રાખવા પડશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાક વણઊકલ્યા મુદ્દા પર સવાલ કરાતાં જનરલ ઝમાને કહ્યું કે, ભારત એક મહત્ત્વપૂર્ણ પડોશી છે. તેથી બાંગ્લાદેશની સ્થિરતામાં ભારતનું ઘણું હિત છે. આ એક લેવડદેવડનો સંબંધ છે.
સંબંધ ભેદભાવ વગરના હોવો જોઈએ
જનરલ ઝમાને કહ્યું કે આ સંબંધ ભેદભાવ વગરના હોવા જોઈએ. કોઈ પણ દેશ બીજા પાસેથી લાભ લેવા ઇચ્છશે. તેમાં કશું ખોટું નથી. આપણે સમાનતાના આધારે સારા સંબંધ જાળવવા પડશે. લોકોને કોઈ રીતે એવું ન લાગવું જોઈએ કે ભારત આપણા પર હાવી થઈ રહ્યું છે, જે આપણાં હિતો વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ એવું કશું નહીં કરે જે ભારતનાં વ્યૂહાત્મક હિતોની વિરુદ્ધ હોય. ભારત અને બાંગ્લાદેશ, બંને પોતાનાં હિતોનું સમાન મહત્ત્વ સાથે ધ્યાન રાખશે.