આખરે ઉકેલાઇ ગઇ હજારો વર્ષ પુરાણી કનાની ભાષા

80ના દસકામાં ઇરાકમાં મળી હતી બન્ને તખતી

Friday 17th March 2023 09:00 EDT
 
 

લંડનઃ પુરાતત્વવિદોએ આખરે હજારો વર્ષોથી ‘ગુમ થયેલી’ પ્રાચીન ભાષાને શોધી કાઢીને તેને ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. આ પ્રાચીન કનાની ભાષા માટીની બે તખ્તીઓ (ટેબ્લેટ્સ) પર અંકિત છે, જે દાયકાઓ પૂર્વે ઇરાકમાંથી મળી આવી હતી. ભાષાના અભ્યાસની પૂર્વે 2016 સુધી આ બન્ને તખ્તીઓ બ્રિટન અને અમેરિકાના અલગ અલગ સંગ્રહાલયોમાં રાખવામાં આવી હતી. શોધી કાઢવામાં આવેલી કનાની ભાષા અને પ્રાચીન હિબ્રૂ સાથે ઘણી બધી સમાનતા જોવા મળી છે. તખ્તીઓના એક ભાગમાં દેવતાઓની યાદી છે. બીજા ભાગમાં સ્વાગત માટે ઉપયોગમાં લેવાતા વાક્યાંશ જોવા મળે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ તખ્તી એક પ્રકારની ટૂરિસ્ટ ગાઇડ હોય તેવું લાગે છે.
તખ્તીઓનો સંબંધ અમોરી લોકો સાથે
આ તખ્તી અમોરી લોકોએ તૈયાર કરી હતી. અમોરી મિડલ ઇસ્ટમાં રહેતા હતા અને અસલમાં કનાન ક્ષેત્ર (જ્યાં આધુનિક ઇઝરાયલ, જોર્ડન અને સીરિયા છે)ના હતા. જોકે બાદમાં તેઓ મેસોપોટામિયા (જે બાદમાં ઇરાકના કેટલાક હિસ્સામાં ભળી ગયો એ પ્રદેશ)માં જતા રહ્યા. સંશોધકોના મતે અમોરી લોકો અંગેની માહિતી આપણી પાસે એટલી બધી મર્યાદિત હતી કે કેટલાક નિષ્ણાતોને આવી ભાષાના અસ્તિત્વ અંગે જ શંકા હતી. જોકે બાદમાં ખબર પડી કે બન્ને તખ્તીઓ પર અંકાયેલા શબ્દો લેન્ડસ્કેપ ફોર્મેટમાં છે. મેસોપોટામિયા સાથે સંકળાયેલી તખ્તીઓમાં સામાન્યતઃ આવું જોવા મળે છે.
એક ભાષાને સમજવામાં મદદ કરી બીજી ભાષાએ
બન્ને તખ્તીઓના લેખ બે કોલમમાં વહેંચાયેલા છે. ડાબા ભાગમાં કનાની ભાષા લખાયેલી છે જ્યારે જમણી બાજુએ નિષ્ણાંતો વાંચી શકે છે તેવી અક્કાદિયનની પુરાણી બોલી અંકિત થયેલી છે. આમ એક તખ્તી પર બે ભાષાઓ એકસાથે જોવા મળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter