ઓટ્ટાવાઃ કેનેડાની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓના ઓછા રજિસ્ટ્રેશનને લીધે કેનેડાની કેટલીયે કોલેજ પર નાણાકીય સંકટ આવી ગયું છે. એક અહેવાલ મુજબ કેનેડાની કોલેજોમાંથી લગભગ 10 હજાર કર્મચારીઓને નોકરી ગુમાવવાની નોબત આવી ચુકી છે અને 600થી વધુ લોકપ્રિય કોર્સ બંધ કરવામાં આવ્યા છે.
ઓન્ટેરિયો પબ્લિક સર્વિસ એમ્પ્લોઈજ યુનિયન (ઓપીએસઈયુ)ના રિપોર્ટ મુજબ, જે કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા છે, એમાં મોટાભાગના શૈક્ષણિક, વહીવટી અને સહયોગી ભૂમિકા નિભાવતા કર્મીઓ સામેલ છે. આ પરથી એક બાબત પણ સ્પષ્ટ થાય છે કે કેનેડાની કોલેજો કઈ હદ સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ટ્યુશન ફી પર નિર્ભર છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર કેનેડાની કોલેજની નિર્ભરતા સ્પષ્ટ થાય છે.