જેમ્સ વેબ ટેલિસ્કોપઃ અંતરીક્ષ પટલ પર પૃથ્વીવાસીઓની નવી આંખ

Saturday 08th January 2022 09:45 EST
 
 

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ક્રિસમસનું પર્વ રંગેચંગે ઉજવાઇ રહ્યું હતું ત્યારે ‘નાસા’નું મહત્વાકાંક્ષી ટેલિસ્કોપ જેમ્સ વેબ સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. સધર્ન અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગયાના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી આ ટેલિસ્કોપ લોન્ચ થયું હતું. આ મિશન પાછળ ૧૦ બિલિયન ડોલરનો ખર્ચ થયો છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરીક્ષમાં ઉપગ્રહોની ભ્રમણકક્ષા કરતાં પણ દૂર સેટ થશે.
અનેક વખત જેમ્સ વેબ ટેલિસ્કોપ મિશનનું લોન્ચિંગ રદ્ થયા પછી આખરે ‘નાસા’એ યુરોપીયન સ્પેસ એજન્સીની મદદથી ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોંચ કર્યું હતું. હબલ સ્પેસ ટેલિસ્કોપ નિષ્ક્રિય થાય એવો ખતરો મંડરાઇ રહ્યો હતો. આવું કંઇ થાય તે પહેલાં ‘નાસા’નું આ સૌથી વિશાળ, સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ અંતરીક્ષમાં ગોઠવાઈ જશે.
નિષ્ણાતો કહે છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરીક્ષમાં પૃથ્વીવાસીઓની નવી આંખ બનશે. ‘નાસા’એ ટ્વિટરમાં ટેલિસ્કોપના લોન્ચિંગનો વીડિયો રીલિઝ કર્યો હતો, જે કરોડો લોકોએ નિહાળ્યો હતો. ‘નાસા’એ મિશન લોન્ચ થયાની જાહેરાત કરતા લખ્યું હતુંઃ અમે ટેલિસ્કોપ લોન્ચ કરી દીધું. આ મિશન પછી આપણી અંતરીક્ષને સમજવાની દૃષ્ટિ બદલાઈ જશે. લાંબા ઈન્તઝારનો અંત આવ્યો. આ મિશનની પ્રક્રિયા ખૂબ જ રોમાંચક રહી હતી.
‘નાસા’ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ મિશન ખૂબ જ મહત્વનું સાબિત થશે. અંતરીક્ષના ઈતિહાસમાં આ મિશન ઘણાં નવા આયામો સર કરશે. બ્રહ્માંડના કેટલાય રહસ્યો સમજવામાં એ મદદરૂપ બનશે તેવી આશા છે. આ સાથે જ આપણી અંતરીક્ષની સમજને વિકસાવવામાં પણ જેમ્સ વેબ ટ્રેન્ડસેટર સાબિત થશે.
૧૯૯૬માં મિશનનો પ્રારંભ
‘નાસા’એ છેક ૧૯૯૬માં મિશનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ૧૯૯૭થી ફંડ ફાળવવાનું શરૂ કર્યું હતું. ૨૦૦૭માં લોન્ચ કરવાનું આયોજન પાછું ઠેલાયું હતું. પછી ૨૦૨૧, ૨૦૧૪ અને ૨૦૧૯માં લોન્ચ કરવાનું વિચારાયું હતું, પરંતુ દરેક વખતે મિશન પાછું ઠેલાયું હતું. એ દરમિયાન મિશનનું બજેટ પણ એક અબજ ડોલરથી વધીને ૧૦ અબજ ડોલર થઈ ગયું હતું. આખરે ૨૦૨૧માં ‘નાસા’નું મહાત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોન્ચ થયું હતું.
૧૫ લાખ કિ.મી. દૂર
પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર અંતરીક્ષમાં જેમ્સ વેબ ટેલિસ્કોપને સેટ કરાયા પછી એ કાર્યરત થશે. ચંદ્ર કરતાં ચાર ગણું દૂર જઈને ટેલિસ્કોપ સેટ થશે અને ત્યાં સુધીની યાત્રામાં જેમ્સ વેબ ટેલિસ્કોપને લગભગ એક મહિનાનો સમય લાગશે. તે પછી કાર્યરત થતાં બીજા પાંચ મહિના લાગશે.
આમ લોન્ચ થયાના છ મહિના પછી તે પહેલી તસવીર પૃથ્વી ઉપર મોકલી આપશે એવી આશા વ્યક્ત થઈ છે. જો અંતરીક્ષમાં બધું બરાબર રહ્યું તો ઓછામાં ઓછાં ૧૦ વર્ષ સુધી એ કામ કરવા સક્ષમ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter