...પણ બ્રાઝિલ અને ઇરાનમાં મહામારીએ હાહાકાર મચાવ્યો

Thursday 29th April 2021 06:19 EDT
 
 

વોશિંગ્ટનઃ બ્રાઝિલ અને ઇરાનમાં કોરોનાએ હાહાકાર મચાવતાં આ મહિનો સૌથી વધારે ઘાતક નીવડ્યો છે. બ્રાઝિલમાં ગયા વર્ષે માર્ચ અને ડિસેમ્બર દરમ્યાન ૧,૯૪,૯૪૯ જણાના મોત થયા હતા. તેની સામે આ વર્ષે પ્રથમ ચાર મહિનામાં જ ૧,૯૫,૮૪૮ જણાના મોત થયા છે.
માર્ચ મહિનામાં બ્રાઝિલમાં ૬૬,૫૭૩ મોત થયા હતા તેના કરતાં વધારે ૬૯,૨૮૨ મોત એપ્રિલ મહિનો પૂરો થાય તે પહેલાં જ નોંધાઈ ચૂક્યા છે. બ્રાઝિલમાં કુલ ૧૪.૩ મિલિયન કોરોનાના કેસ નોંધાયેલા છે અને કુલ કોરોના મરણાંક ૩,૯૦,૭૯૭ થયો છે.
• ઇરાનમાં કોરોના મહામારીના ચોથા મોજામાં કોરોનાના નવા ૨૧,૦૨૬ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૨૪,૧૭,૨૩૦ થઈ છે. જ્યારે સોમવારે સર્વાધિક દૈનિક મોત ૪૯૬ થતાં કોરોનાનો કુલ મરણાંક ૭૦,૦૭૦ થયો છે. હાલ આઇસીયુમાં પાંચ હજાર કરતાં વધારે દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે અને આશરે ૩૦૦ શહેરોને રેડઝોનમાં મુકી ત્યાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.
• ઇટાલીમાં વેનેટો પ્રાંતના બાસાનો ગામે ભારતથી પાછાં ફરેલાં પિતા-પુત્રીને ભારતીય કોરોના વેરીઅન્ટનો ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું છે. હવે ભારતથી આવતાં-જતાં ઇટાલીયનોને ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રાખવાનું ફરજિયાત બનાવાયું છે.
• બ્રસેલ્સ દ્વારા એસ્ટ્રાઝેનેકા સામે એડવાન્સ પરચેઝ એગ્રીમેન્ટનો ભંગ કરવા બદલ કાનુની પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. યુરોપિયન કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાનુની પગલાં ભરવાનું કારણ એ છે કે કંપનીએ કરારની કેટલીક શરતોનું પાલન કરી શકી નથી અને સમયસર રસીના ડોઝ પુરા પાડવા માટે વિશ્વસનીય યોજના રજૂ કરી શકવાની સ્થિતિમાં નથી. એસ્ટ્રાઝેનેકાએ યુરોપને ૩૦૦ મિલિયન ડોઝ અને તે પછી વધારાના ૧૦૦ મિલિયન ડોઝ પુરા પાડવાના કરાર કર્યા હતા પણ કંપની ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં માંડ ૩૦ મિલિયન ડોઝ પુરા પાડી શકી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તે બાકીના ૧૮૦ મિલિયન ડોઝને બદલે બીજા ક્વાર્ટરમાં માત્ર ૭૦ મિલિયન ડોઝ જ પુરા પાડી શકે તેમ છે. ગયા સપ્તાહે કમિશનના પ્રમુખ ઉર્સુલાએ જણાવ્યું હતું કે ૨૦૨૧-૨૩ દરમ્યાન ૧.૮ બિલિયન ડોઝ પુરા પાડવા માટે બાયોએનટેક-ફાઇઝર સાથે નવા કરાર કરવામાં આવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter