માઇક્રોસોફ્ટના બોર્ડમંથી બિલ ગેટ્સે રાજીનામું આપ્યું

Saturday 14th March 2020 02:21 EDT
 
 

વોશિંગ્ટન: દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી દીધી છે કે બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તે હવે પોતાનો મોટા ભાગનો સમય સારા કાર્યો પાછળ કરવા ઇચ્છી રહ્યા છે. માઈક્રોસોફ્ટ તરફથી જણાવાયું છે કે ગેટ્સ વૈશ્વિક સ્વાસ્થ્ય અને શિક્ષા માટે વધારે કામ કરવા માગી રહ્યા છે. આથી વધારાની જવાબદારીઓથી મુક્ત થવા માગે છે. જો કે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાની સાથે સલાહકાર તરીકે કામ કરતા રહેશે.

કંપનીએ જણાવ્યું કે કંપનીના સહ સંસ્થાપક અને સલાહકાર બિલ ગેટ્સ વધારેમાં વધારે સમય શિક્ષણ, સ્વાસ્થ્ય અને વૈશ્વિક વિકાસ માટે ફાળવશે. બિલ ગેટ્સ જળવાયુ પરિવર્તન પર પણ કામ કરવા માગે છે અને આ જ કારણે તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. ગેટ્સે ૧૯૭૫માં પોલ એલેન સાથે મળીને આ કંપનીની રચના કરી હતી. તેઓએ ૨૦૦૦માં કંપનીમાં સીઈઓનું પદ સંભાળ્યું હતું.

ગેટ્સના રાજીનામા પછી કંપનીના બોર્ડમાં ૧૨ સભ્યો રહ્યા છે. જેમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાનો પણ સમાવેશ થાય છે. નડેલાએ કહ્યું કે બિલ ગેટ્સ સાથે કામ કરવું ગૌરવની વાત છે. ગેટ્સે આ કંપનીની સ્થાપના સોફ્ટવેરના માધ્યમથી લોકોની તકલીફો દૂર કરવાના ઉદેશ્યથી બનાવી હતી. તેમણે કહ્યું હતું કે માઈક્રોસોફ્ટ તેના આ લક્ષ્યને પૂર્ણ કરવામાં સફળ રહ્યું છે.

નડેલાએ કહ્યું કે બોર્ડને ગેટ્સનું માર્ગદર્શન મળતા કંપની ટોપ પર રહી છે. ગેટ્સની સલાહનો ફાયદો કંપનીને મળી રહે તે હેતુસર તેમને સલાહકાર તરીકે રાખવામાં આવશે અને તેમની સેવાનો કંપનીને ફાયદો રહેશે. લોકોની મદદ માટે તૈયાર બિલ ગેટ્સ વધારેમાં વધારે સમય લોકોના કલ્યાણ અર્થે વિતાવવા માગી રહ્યા છે. આ કાર્ય ખરેખર ખૂબ જ ઉમદા છે તેમ કહી શકાય. સમાજને આવા કાર્યનિષ્ઠ લોકોની જરૂર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter