વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ, 632 મીટર લાંબો ને 150 મીટર ઊંચો

Sunday 19th June 2022 07:05 EDT
 
 

હેનોઇઃ આ છે વિયેતનામમાં વોકર્સ માટે બનેલો વિશ્વનો સૌથી લાંબો, અને તે પણ, કાચથી બનેલો પુલ - બાખ લાંગ બ્રિજ. તેનું બીજું નામ છે વ્હાઇટ ડ્રેગન. આ વિયેતનામનો ત્રીજો ગ્લાસ બ્રિજ છે, અને તેને હાલમાં જ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ ચીનના ગ્વાંગડોંગના 526 મીટર લાંબા ગ્લાસ બ્રિજના નામે હતો. ગત એપ્રિલ માસમાં કામગીરી પૂર્ણ થયા પછી તાજેતરમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો છે.
કાચની સપાટીવાળો આ પુલ ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોન લા પ્રાંતમાં મોક ચો જિલ્લામાં આવેલો છે.
અડાબીડ જંગલના બે પહાડોને જોડતો પુલ 630 મીટર (2073 ફૂટ) લાંબો અને 150 મીટર (492 ફૂટ) ઊંચાઈ પર છે. આ પુલ 2.4 મીટર પહોળો અને 30 મીટરના બે ટાવરનો સમાવેશ થાય છે. પુલનો ચાલવા માટેનો હિસ્સો ફ્રેન્ચ ટેમ્પર્ડ ગ્લાસથી બનેલો છે અને 459 લોકોનો ભાર વહન કરવા સક્ષમ છે.

કાચની સપાટી ધરાવતા આ અદભૂત પુલનું નિર્માણ કરતી કંપનીએ તેને વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ ગણાવ્યો છે. આ પહેલાં ચીનના ગ્વાંગડોંગમાં આવેલો ગ્રાન્ડ કેન્યન ગ્લાસ બ્રિજના નામે સૌથી મોટા કાચના પુલનો વિક્રમ નોંધાયેલો હતો. ગ્રાન્ડ કેન્યન બ્રીજની લંબાઈ 430 મીટર છે. ચીનના બ્રિજને પણ વિયેતનામનો વ્હાઈટ ડ્રેગન બ્રીજ ટક્કર મારે તેવો બન્યો છે. આથી વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ડર કે આગે... રોમાંચ હૈ
લોકો કાચની સપાટી પર ઊભા રહીને કુદરતી ખૂબસુરતીના નજારાને માણી શકે છે, પણ આ બહુ હિંમતનું કામ છે. કાચમાંથી ઊંડે ઊંડે આરપાર ખીણ નજરે પડતી હોવાથી ફફડતાં ફફડતાં એક એક ડગલું માંડે છે. લોકો ડરી ડરીને પગલાં માંડતાં હોય તેવો વીડિયો બહુ વાઇરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તો એટલા ડરી જાય છે કે નીચે જોવાની હિંમત પણ કરી શકતા નથી. જોકે ઘણા લોકો એવા પણ છે જેઓ બ્રિજ પર રોમાંચક પગપાળા યાત્રાનો આનંદ માણે છે. કાયમી સંભારણું બની જાય તે માટે લોકો ગ્લાસ વે બ્રીજના વોક વે સેક્શન પર અવનવી સ્ટાઈલમાં ફોટો પણ પડાવે છે.
વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવતા વિયેતનામમાં આમ તો પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે પરંતુ કોરોના મહામારીના કારણે વિદેશી પ્રવાસીઓનું આગમન ઠપ્પ થઇ ગયું હતું. હવે પ્રવાસીઓ આવવા લાગ્યા છે અને એમાં આ અનોખા ગ્લાસ બ્રીજે આકર્ષણ ઉમેર્યું છે. પુલની તળેટીમાં મુઓંગ મૂક ગુફા છે જેને ચિમથાન (ગોડ બર્ડ) ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં કુદરતી સ્ટેલેક્ટાઈસ અને શિલ્પાકૃતિ ધરાવતા પથ્થર જોવા મળે છે.
કાચનો આ બ્રીજ તૈયાર કરતી વખતે સુરક્ષાના તમામ પ્રકારનાં પગલાં લેવાયા છે. તળિયામાં ગ્લાસ એટલા મજબૂત છે કે તેના પર હથોડાના ફટકાની પણ કોઈ અસર થતી નથી. ગ્લાસ પારદર્શક રહે તે માટે તેનું નિયમિત મેઈન્ટેનન્સ કરવામાં આવે છે. બ્રિજને સહેલાણીઓ માટે ખુલ્લો મૂકતાં પૂર્વે તેના પર અનેક વાર હેવી વેઈટ કાર ચલાવીને તેની મજબૂતી ચકાસવામાં આવી છે. મધ્યાહન સમયે કાચ પર સૂર્યના કિરણો પડે ત્યારે વ્હાઈટ રિફ્લેક્શન તેની શોભાને ચાર ચાંદ લગાવી દે છે.
આ બ્રિજ શરૂ થયો ત્યારે પ્રથમ દિવસે જ 4 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વિયેતનામમાં ગ્લાસનું તળિયું ધરાવતા હોય તેવા આમ તો ત્રણ બ્રિજ છે, પરંતુ આ બ્રિજ સૌથી વિશાળ હોવાથી વિશ્વભરના અખબારોમાં ચમકી ગયો છે.

33 મિલિયન ડોલરનો જંગી ખર્ચ
આ બ્રિજ 33 મિલિયન યુએસ ડોલરના ખર્ચે તૈયાર થયો છે. ગ્લાસ બ્રિજમાં ઉપયોગમાં લેવાયેલું સ્ટ્રક્ચર ફ્રાંસથી આયાત કરવામાં આવ્યું હતું જ્યારે સસ્પેન્શન કેબલ દક્ષિણ કોરિયાથી લાવવામાં આવ્યો છે. આ બ્રિજ આમ તો હજાર લોકો એકસાથે હરીફરી બેસી શકે તેટલો મજબૂત છે પરંતુ સુરક્ષા ખાતર 500થી વધુને એકસાથે પ્રવેશ અપાતો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter