સિંગલ્સ ડે સેલના પહેલા ૧૫ કલાકમાં અલીબાબાનું રૂ. ૨ લાખ કરોડનું વેચાણ

Saturday 16th November 2019 05:22 EST
 

બૈજિંગઃ ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું. એ વેચાણ સાથે જ કંપનીએ ૩૦ અબજ ડોલરના વેચાણનો તેનો વિક્રમ તોડી નાંખ્યો હતો. પહેલી ૧.૮ મિનિટમાં જ ૭૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ તો થઇ ગયું હતું. રવિવારની રાત્રે ૧૨ વાગ્યે શરૂ થયેલું આ સેલ સોમવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલશે. 

કંપનીને એક સેકન્ડમાં મળનારા ઓર્ડરનો આંકડો ૫.૪૪ લાખ સુધી પહોંચી ગયો હતો. ૨૦૦૯ની સરખામણીએ આ વેચાણ ૧૩૬૦ ઘણું વધારે છે. કંપનીએ એ વર્ષથી સિંગલ્સ ડે સેલની શરૂઆત કરી હતી.

સિંગલ્સ ડે આ વર્ષે એટલા માટે પણ મહત્ત્વનું છે કેમકે અલીબાબા હોંગકોંગના શેર બજારમાં લિસ્ટિંગ માટે આઇપીઓ દ્વારા ૧૫ અબજ ડોલર એકત્ર કરવાની દિશામાં કામ કરી રહી છે. એમ મનાય છે કે સિંગલ્સ ડે સેલના આંકડા આઇપીઓના રોકાણકારોને લલચાવવા માટે પણ મદદરૂપ સાબિત થશે. અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને ચીનની અર્થવ્યવસ્થામાં સુસ્તીના કારણે અલીબાબા ગ્રોથ મામલે આ વર્ષે દબાણમાં છે.

સૌથી મોટું ઓનલાઇન સિંગલ્સ ડે સેલ

અલીબાબાએ ૨૦૦૯માં ચીનમાં સિંગલ્સ ડે સેલની શરૂઆત કરી હતી. તેનો દિવસ ૧૧ નવેમ્બર એટલા માટે નક્કી કરાયો હતો કે એ તારીખમાં ૧૧૧૧ એટલે કે ચાર વખત એકડો આવે છે. અલીબાબાની સિંગલ્સ ડે હવે દુનિયાની સૌથી મોટી ઓનલાઇન સેલ બની ચૂકી છે. અમેરિકામાં આ પ્રકારના વેચાણ સાઇબર મન્ડેમાં ગયા વર્ષે ૭.૯ અબજ ડોલરનું વેચાણ થયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter