૧૦૦ લાખ કરોડ ડોલરઃ વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૨માં પ્રથમ વખત આ આંક ઓળંગશે

Sunday 09th January 2022 04:59 EST
 
 

નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત ૧૦૦ લાખ કરોડ ડોલરના સીમાચિહનને પાર થઇ જશે. એક અહેવાલમાં આ માહિતી આપતાં વધુમાં જણાવાયું છે કે વિશ્વના પ્રથમ નંબરના અર્થતંત્ર તરીકે અમેરિકાનું સ્થાન લેવામાં ચીનને ધારણા કરતાં વધુ વર્ષો લાગશે. બ્રિટિશ કન્સલટન્સી સીઇબીઆરના અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૩૦માં ચીન વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બનશે. અગાઉ વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ રિપોર્ટમાં અંદાજ રજૂ થયો હતો કે ૨૦૨૮માં ચીન અમેરિકાને પછાડીને વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બની જશે.
સીઇબીઆરના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં ભારતીય અર્થતંત્ર ફ્રાન્સના અર્થતંત્રથી આગળ વધી જશે. ત્યારબાદ ૨૦૨૩માં ભારતીય અર્થતંત્ર બ્રિટનથી આગળ નીકળીને વિશ્વનું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર બની જશે.
સીઇબીઆરના ડેપ્યુટી ચેરમેન ડગ્લાસ મેકવિલિયમ્સના જણાવ્યા અનુસાર ૨૦૨૧થી ૨૦૩૦ સુધીના વર્ષોમાં સૌથી મોટો પડકાર એ છે કે વિશ્વના અર્થતંત્રો કેવી રીતે ફુગાવાનો સામનો કરશે. અમેરિકામાં અત્યારે ફુગાવો વધીને ૬.૮ ટકા થઇ ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક વસ્તુઓ ફુગાવાને અંકુશમાં રાખશે અને જો એમ નહીં થાય તો વિશ્વને ૨૦૨૩ અને ૨૦૨૪માં મંદીનો સામનો કરવો પડશે.
આ અહેવાલ મુજબ ૨૦૩૩માં જર્મનનીનું અર્થતંત્ર જાપાનના અર્થતંત્રથી આગળ વધી જશે. રશિયા ૨૦૩૬ સુધીમાં વિશ્વના ટોચના ૧૦ અર્થતત્રોમાં સામેલ થઇ જશે. ૨૦૩૪માં ઇન્ડોનેશિયા નવમા ક્રમે આવી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter