25 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો ગોલ્ડન રોક 1200 વર્ષથી અડીખમ ઊભો છે કોઇ આધાર વગર

Tuesday 22nd November 2022 11:31 EST
 
 

યાંગોનઃ ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં 25 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો પથ્થર છે જે સદીઓથી એક ઢોળાવ પર ટકી રહ્યો છે. તેની નજીક જતાં જ લોકોને એવો ડર લાગે છે કે હમણાં નીચે આવશે. આ અદભૂત સ્થળ ટેનાસેરીમના દરિયાકાંઠાના ઉત્તર ભાગમાં મોન રાજ્યના કાયકટોની નજીક પૂર્વીય યોમા પર્વતની પાઉંગ લોક રેન્જ પર આવેલું છે. કિનપુન ગામ નજીક આવેલું આ સ્થળ પણ કિનપુન ગામના નામથી જ ઓળખાય છે. ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ કોઈ પણ ચીજ અત્યંત ઢાળમાં હોય અને આજુબાજુ મજબૂત ટેકો ના હોય તો નીચે આવવા લાગે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે આ પથ્થર કોઈ પણ ટેકા વગર ટકી રહ્યો છે, અને તે પણ પહાડના ઢોળાવના એકદમ છેડે લટકેલો છે.

ગુરુત્વાકર્ષણ બળના નિયમથી વિરુદ્ધ આ પથ્થર કેવી રીતે ગોઠવાયેલો છે તે કોઈ સમજી શકતું નથી. આ ચમત્કારિક પથ્થરને ‘ગોલ્ડન રોક’ નામ અપાયું છે. અલબત્ત, આ પથ્થર સોનાનો તો નથી, પરંતુ તેના પર સોનાનું આવરણ ચડાવીને તેને સોના જેવો બનાવવામાં આવ્યો છે. એક પથ્થરની ઉપર બીજો પથ્થર પણ જોવા મળે છે. જે મજબૂત રીતે તેની સાથે ચોંટેલો છે.

શ્રદ્ધાળુઓ-પ્રવાસીઓની વણઝાર
1100 મીટરની ઉંચાઈ પર આવેલા ગોલ્ડન રોકને કયૈકટિયો પેગોડા પણ કહે છે. બૌદ્ધ તીર્થ હોવાથી અનેક લોકો ધાર્મિક દ્રષ્ટિએ કયૈકટિયો પેગોડાની મુલાકાત લે છે. સૈન્ય શાસનની એડી નીચે કચડાયેલો મ્યાનમાર દેશ બૌદ્ધધર્મનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યો છે. મ્યાનમારને પેગોડાના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ પ્રવાસીઓના પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંયા નવેમ્બરથી માર્ચ મહિના સુધી સૌથી વધુ પ્રવાસીઓ આવે છે.
ગોલ્ડન રોક સુધીનું ચઢાણ સીધું હોવાથી પહોંચવામાં એકાદ કલાક જેટલો સમય લાગે છે. આ પથ્થર કોઈ વિનાશક ભૌગોલિક ઘટના થવાથી અટકી ગયો છે કે માનવીય મહેનતથી તે સમજી શકાતું નથી. જોકે માનવીય પ્રયત્નથી કોઈ પણ ભોગે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પથ્થર પર પથ્થર બેસાડવો આમ તો શક્ય નથી. શ્રદ્ધાળુઓ માને છે કે આ ભારેખમ પથ્થર ભગવાન બુદ્ધના વાળ પર ટકેલો છે.
એક બૌદ્ધ ભીક્ષુએ 11મી સદીમાં આ પેગોડાની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આથી જ તે પોતાના સ્થાનેથી કોઈ પણ સંજોગોમાં ખસતો નથી. ગોલ્ડન રોકને બૌદ્ધ મોન્ક અને શ્રદ્ધાળુઓ પૂજે છે.

મહિલાઓને સ્પર્શની મનાઇ

સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આ પથ્થરની નીચે જે વ્યક્તિ વર્ષમાં ત્રણ વાર આવે છે તેની ગરીબી દૂર થાય છે. એટલું જ નહીં ગોલ્ડન રોક પાસે જે પણ માંગવામાં આવે તે ઈચ્છા પૂરી થાય છે. લોકો પથ્થર પર ગોલ્ડન રંગની પરત પણ ચોંટાડે છે. દુનિયા પર ગમે તેટલી આફત આવશે તો પણ આ ગોલ્ડન રોક અડીખમ રહેવાનો છે, એવું લોકો શ્રદ્ધાભેર માને છે. સ્થાનિકોની માન્યતા અનુસાર કોઈ મહિલા જ આ પથ્થરને ક્યારેક હલાવી શકશે. આથી જ આ પથ્થરને મહિલાએ સ્પર્શ કરવાની મનાઈ છે. આ માન્યતાના લીધે મહિલાઓ ગોલ્ડન રોકને નિહાળે તો છે, પણ સ્પર્શ કરવાથી દૂર રહે છે. આ ખડકને લઈને રાજવી પરિવારોની બીજી પણ અનેક રસપ્રદ દંતકથાઓ જોડાયેલી છે.

ભારતમાં આવો જ એક રોક તમિલનાડુ મહાબલીપુરમ્ શહેરમાં છે. આ પથ્થર એક સમયે ભગવાન કૃષ્ણના માખણનો લોંદો હોવાની પ્રચલિત માન્યતાના આધારે તેને ‘બટર બોલ’ ના અપાયું છે. આ અતિ પ્રાચીન પથ્થર પણ 1200 વર્ષ જૂનો છે, જે વાવાઝોડા અને ભારે વરસાદ જેવી કુદરતી આફતો સામે પણ ટકી રહ્યો છે. દુનિયામાં કેટલીક વસ્તુઓ ખરેખર અદભૂત અને નવાઈ પમાડે તેવી હોય છે જેનો તાગ મળતો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter