અસાંજેને તત્કાળ સારવાર નહિ અપાય તો જેલમાં જ મોત?

૬૦ જેટલા ડોક્ટરોનો હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત અનેક મહત્વના લોકોને સંબોધી ખુલ્લો પત્રઃ અસાંજેની શારીરિક અને માનસિક સ્થિતિ ગંભીર હોવા્ની ચેતવણી

Tuesday 26th November 2019 08:03 EST
 
 

લંડનઃ વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજે (૪૮)ને તાત્કાલિક સારવાર ન અપાય તો તેનું મોત થઈ શકે છે તેમ ૬૦ જેટલા ડોક્ટરોએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત અનેક મહત્વના લોકોને સંબોધી ખુલ્લા પત્રમાં જણાવ્યું છે. લંડનની બેલમાર્શ જેલમાં બંધ અસાંજે વિરુદ્ધ જાસૂસી કાયદા અંતર્ગત અમેરિકામાં કેસ દાખલ થયેલા છે અને તેના પ્રત્યાર્પણ માટે અમેરિકા દબાણ કરી રહ્યું છે. જો અસાંજે પર અમેરિકામાં દોષ સાબિત થાય તો તેને ૧૭૫ વર્ષની જેલની સજા થઈ શકે છે. અસાંજેના પ્રત્યાર્પણનો કેસની સુનાવણી ફેબ્રુઆરી ૨૦૨૦માં થવાની છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્વીડન, ઈટલી, જર્મની, શ્રીલંકા અને પોલેન્ડના ડોક્ટરોએ પત્રમાં લખ્યું છે કે જૂલિયન અસાંજેની શારીરિક અને માનસિક સ્થિતિ ગંભીર છે અને તેને તાત્કાલિક શારીરિક અને માનસિક સારવારની આવશ્યકતા છે. જો તેમનો યોગ્ય ઈલાજ કરવામાં નહીં આવે તો તેમનું મોત થઈ શકે છે. તેને યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની હિમાયત કરાઈ છે.

અસાંજે ટ્રાયલનો સામનો કરવા કે પોતાનો બચાવ કરી શકે તેવી હાલતમાં ન હોવાનું પણ ડોક્ટરોએ પત્રમાં જણાવ્યું છે. ગયા મહિને સુનાવણી દરમિયાન અત્યંત નબળા જણાતા અસાંજેને પોતાના જન્મદિન સહિત કાર્યવાહીમાં કશું સમજ પડતી ન હોવાની ટિપ્પણી પણ કોર્ટ દ્વારા કરાઈ હતી. બળાત્કારના આરોપોસર સ્વીડનમાં પ્રત્યાર્પણને ટાળવા અસાંજેએ ઈક્વેડોરના લંડનસ્થિત દૂતાવાસમાં આશ્રય લીધો હતો. તેની દૂતાવાસમાંથી હકાલપટ્ટી પછી યુકેમાં જામીનની શરતોના ભંગ બદલ તેને મે મહિનામાં ૫૦ સપ્તાહની જેલની સજા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે સ્વીડિશ સત્તાવાળાએ અસાંજે વિરુદ્ધ બળાત્કારના કેસને પડતો મૂક્યો છે.

અસાંજેએ ૨૦૧૦માં વિકીલિક્સ મારફતે હજારો અમેરિકી ગુપ્ત લશ્કરી અને રાજદ્વારી કાર્યવાહીની ફાઈલો જાહેર કરી હતી, જેમાં અફઘાનિસ્તાન અને ઈરાકમાં અમેરિકી બોમ્બમારાનો પણ ખુલાસો કરાયો હતો. તેના વિરુદ્ધ અમેરિકાના પૂર્વ આર્મી ઈન્ટેલિજન્સ અધિકારી ચેલ્સી મેનિંગ સાથે મળી પેન્ટાગોનના કોમ્પ્યુટર્સ હેક કરી માહિતી ચોરવાનો પણ આરોપ છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter