લંડનઃ કોઇપણ કાર્ય કરવા માટે ઉંમરનું બંધન આડે આવતું નથી તે 89 વર્ષીય ઉર્સુલા પેથિકે પૂરવાર કરી દીધું છે. ગયા શનિવારે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે પેલેસ્ટાઇન એક્શન દ્વારા આયોજિત ધરણામાં ઉર્સુલા પણ સામેલ હતાં. પાંચ કલાક બાદ ઉર્સુલાની પણ આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલા 500 કરતાં વધુ દેખાવકારોમાં ઉર્સુલા કદાચને સૌથી વૃદ્ધ દેખાવકાર હતા.
ઉર્સુલા કહે છે કે હું 83 વર્ષની થઇ ત્યારબાદ મેં આંદોલનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને આ મારી ચોથીવાર ધરપકડ કરાઇ છે. તેમને આંદોલનમાં ભાગ લેવા અંગે કોઇ ખેદ નથી. તેઓ કહે છે કે સરકાર દેખાવકારોની ધરપકડ કરીને તેમની નાગરિક સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે.
ઉર્સુલા એક ક્લાઇમેટ ચેન્જ કેમ્પેનર પણ છે. એક્સિટન્શન રિબેલિયન અને જસ્ટ સ્ટોપ ઓઇલ દ્વારા આયોજિત દેખાવોમાં તેઓ ભાગ લઇ ચૂક્યાં છે અને 3 વાર ધરપકડનો સામનો પણ કર્યો છે. ઉર્સુલા એક પુત્ર, એક પુત્રી અને પાંચ ગ્રાન્ડ ચિલ્ડ્રનનો પરિવાર ધરાવે છે.