ઈંગ્લિશ ચેનલમાં એક જ દિવસે ૯૦ ગેરકાયદે માઈગ્રન્ટ્સ પકડાયા

Wednesday 12th February 2020 03:28 EST
 
 

લંડનઃ કોસ્ટગાર્ડ, બોર્ડર ફોર્સ અને કેન્ટ પોલીસના અલગ અલગ આઠ રેસ્ક્યુ ઓપરેશનમાં ઈંગ્લિશ ચેનલ પાર કરી બ્રિટનમાં ઘૂસી રહેલા ૧૫ બાળકો સહિત ૯૦ માઈગ્રન્ટ્સને ગુરુવારે ઝડપી લઈને પૂછપરછ માટે કેન્ટના ડોવર ખાતે લવાયા હતા. બ્રેક્ઝિટના એક સપ્તાહમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે માઈગ્રન્સ પકડાવાનો આ વિક્રમ થયો છે. અગાઉ, ગત ઓગસ્ટમાં એક જ દિવસમાં ૮૬ માઈગ્રન્ટ્સ ઝડપાયા હતા. ગત વર્ષે નાની બોટ્સમાં વિક્રમી સંખ્યામાં આશરે ૧૯૦૦ માઈગ્રન્ટ્સ બ્રિટન આવી પહોંચ્યા હતા.

પ્રથમ ઘટનામાં બોર્ડર ફોર્સના વહાણે ગુરુવારે સેનેગલ, માલી અને ગિનીના પાંચ આફ્રિકન સાથેની એક ઈન્ફ્લેટેબલ બોટને આંતરી હતી. બીજી ઘટનામાં સીરિયા, યેમેન અને ઈજિપ્તના ૨૧ પુરુષ સાથેની બોટને આંતરી લેવાઈ હતી. આ તમામ ૨૬ માઈગ્રન્ટ્સને પૂછપરછ માટે ડોવર લઈ જવાયા હતા. આ પછી, ત્રીજી ઘટનામાં ઈરાન અને ઈરાકના ૧૨ પુરુષ અને સ્ત્રીના જૂથ તેમજ ચોથી ઘટનામાં ૧૬ ઈરાકી અને ઈરાની પુરુષોને બોટમાં આંતરી પૂછપરછ માટે લઈ જવાયા હતા. એક કલાક પછી, બોર્ડર ફોર્સ દ્વારા ૧૨ વ્યક્તિના જૂથને પકડી લેવાયું હતું જેમની રાષ્ટ્રીયતા સ્થાપિત કરી શકાઈ ન હતી.

ડોવરના શેક્સપિઅર બીચ અને સેમ્ફાયર હો બીચ ખાતેથી પાંચ યેમેની અને ઈરાકી લોકોને ઝડપી લેવાયા હતા. અન્ય ઘટનામાં ઈન્ફ્લેટેબલ બોટમાં ૧૨ પુરુષ અને બે સ્ત્રીના જૂથને પકડી લેવાયાં હતાં જેમણે ઈરાની અને ઈરાકી તરીકે ઓળખ આપી હતી. આ ઉપરાંત, ડોવર પોલીસે વધુ પાંચ શંકાસ્પદ ગેરકાયદે માઈગ્રન્ટ્સને પકડ્યા હતા. આ બધા માઈગ્રન્ટ્સને ધાબળા પહેરાવ્યા હતા અને તબીબી તપાસ માટે લઈ જવાયા હતા.

જાન્યુઆરી ૨૦૧૯થી નાની બોટ્સમાં ગેરકાયદે બ્રિટનમાં પ્રવેશેલા ૧૩૫થી વધુ માઈગ્રન્ટ્સને યુરોપ પરત મોકલી દેવાયા હતા. ગત મહિને એક જ સપ્તાહમાં આશરે ૨૦૦ ગેરકાયદે માઈગ્રન્ટ્સે જીવ જોખમમાં મૂકી ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter