લંડન
યુકેમાં કામદારોની અછત નિવારવા માટે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને માઇગ્રન્ટ વિઝાની સમીક્ષા પુનઃશરૂ કરી છે. ગયા વર્ષે આ કામગીરી સ્થગિત કરી દેવાઇ હતી. નેટ માઇગ્રેશન પરના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા સામે આવ્યા બાદ 2022ના અંત ભાગમાં સરકારે માઇગ્રેશન વિઝાની સમીક્ષા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો. ઓએનએસે નવેમ્બરમાં જણાવ્યું હતું કે, જૂન 2022 સુધીના એક વર્ષમાં નેટ માઇગ્રેશન વિક્રમજનક સપાટી પર પહોંચ્યું હતું. જોકે આ પ્રક્રિયા સ્થગિત થઇ જતાં યુકેના ઉદ્યોગ જગત દ્વારા કામદારોની અછત હોવાની કાગારોળ મચાવવામાં આવી રહી હતી.
કોરોના મહામારી અને બ્રેક્ઝિટ બાદ યુરોપિયન સંઘમાંથી આવતા કામદારોની સંખ્યામાં ઘટાડો થતાં ફૂડ, કન્સ્ટ્રક્શન અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં કામદારોની અછત વર્તાતી હોવાના અહેવાલો બાદ સરકાર પર દબાણ સર્જાયું હતું. છેલ્લે માઇગ્રેશન વિઝામાં 2020માં સમીક્ષા કરાઇ હતી પરંતુ તે સમયે કરાયેલી ભલામણોને તત્કાલિન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ફગાવી દીધી હતી.
વિદેશી કડિયા અને સુથારોને બ્રિટનમાં કામની પરવાનગી આપવાની તૈયારી
સરકાર વિદેશી કામદારોને પરવાનગી આપવા માટે નિયમોમાં રાહત આપવાની તૈયારી કરી રહી છે. એકતરફ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સરકાર અછતગ્રસ્ત વ્યવસાયોની યાદીમાં મોટી સંખ્યામાં વ્યવસાયોનો ઉમેરો કરવાની તૈયારી કરી રહી છે. કન્સ્ટ્રક્શન સેક્ટરને વેગ આપવા માટે સરકાર કડિયા, છત બનાવનાર કારીગરો, પ્લાસ્ટર કરનારા કારીગરો અને સુથારોનો આ યાદીમાં સમાવેશ કરવા જઇ રહી છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ હવે વિદેશી કામદારોને આ કેટેગરીમાં નિયુક્ત કરી શકશે.