લંડનઃ એક અભ્યાસ અનુસાર લંડનમાં અલ્ટ્રા લૉ એમિશન ઝોનું વિસ્તરણ કરાયા બાદ હવાના પ્રદૂષણમાં ઘટાડો થયો છે. લંડનવાસીઓ હવે પહેલાં કરતાં વધુ શુદ્ધ હવા શ્વાસમાં લઇ રહ્યાં છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેન્સર, ફેફસાના રોગ, હાર્ટ એટેક અને સમય પહેલાંના જન્મ જેવી સમસ્યાઓ માટે જવાબદાર ઘાતકી પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. રાજધાનીના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં સ્થિતિમાં મોટો સુધારો થયો છે.
આઉટર લંડનના બરોમાં વર્ષ 2023માં મેયર સાદિક ખાને ઉલેઝનું વિસ્તરણ કર્યું ત્યારે તેમના પર માછલાં ધોવાયાં હતાં પરંતુ આ રિપોર્ટ જારી થયા બાદ મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, ઉલેઝના વિસ્તરણને કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. લંડનની સડકો પર વધુ પ્રદૂષણ ફેલાવતી જૂની કારની સંખ્યા ઘટી છે અને હવે લાખો લોકો શ્વાસમાં શુદ્ધ હવા લઇ રહ્યાં છે.
સાદિક ખાને જણાવ્યું હતું કે, હું પહેલીવાર લંડનના મેયરપદે ચૂંટાયો ત્યારે એમ કહેવામાં આવતું હતું કે જો હાલના સ્તરે પ્રયાસો જારી રાખવામાં આવે તો લંડનમાં હવાનું પ્રદૂષણ કાયદાકીય મર્યાદામાં લાવવા માટે 193 વર્ષ લાગી જશે. જોકે અમારી સુધારાવાદી નીતિઓના કારણે આપણે આ લક્ષ્યાંક 2025માં જ હાંસલ કરી લઇશું.
ગ્રેટર લંડન ઓથોરિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉલેઝના કારણે સકારાત્મક તફાવત જોવા મળી રહ્યો છે. લંડનમાં હવાની ગુણવત્તામાં દેશના અન્ય કોઇ શહેરની સરખામણીમાં અત્યંત ઝડપથી મોટો સુધારો થયો છે.