એશિયન મૂળના ડો. કરામાત મિર્ઝા અને ડો. પૂર્ણિમા નાયર કોવિડ-૧૯ના શિકાર

Sunday 17th May 2020 09:18 EDT
 
 

લંડનઃ યુકેની એશિયન કોમ્યુનિટીએ કોવિડ-૧૯ સામેની લડાઈમાં બે લોકપ્રિય ડોક્ટર્સને ગુમાવ્યા છે. આ ડોક્ટર્સ માત્ર કોરોનાના શિકાર નથી પરંતુ, કોરોના વોરિયર્સ હતા, જેમણે જીવનના અંત સુધી સમાજને સેવા આપી હતી. એશિયન કોમ્યુનિટી અને ડોક્ટર્સ સમુદાયે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ૮૪ વર્ષીય મૂળ પાકિસ્તાની ડો. કરામાત ઉલ્લાહ મિર્ઝા એસેક્સના ક્લેક્ટોન-ઓન-સીમાં ઓલ્ડ રોડ મેડિકલ પ્રેક્ટિસમાં કામ કરતા હતા જ્યારે, ૫૬ વર્ષીય મૂળ ભારતીય ડો. પૂર્ણિમા નાયર ડરહામ કાઉન્ટીના બિશપ ઓકલેન્ડસ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા.

ડો. મિર્ઝાના ૭૧ વર્ષીય નર્સ પત્ની એસ્ટેલે પ્રેસ એસોસિયેશન અને ક્લેક્ટોન ગેઝેટને જણાવ્યું હતું કે,‘તેઓ અસાધારણ વ્યક્તિ હતા. તેમણે આ દેશ અને NHS માટે અવિરત કામ કર્યું છે. તેમણે બધાનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. તેમણે માત્ર બે સપ્તાહ અગાઉ જ પેશન્ટ્સ જોવાનું બંધ કર્યું હતું.’ તેમના પત્ની એસ્ટેલ પણ ૧૦ વર્ષથી ઓલ્ડ રોડ મેડિકલ પ્રેક્ટિસમાં કામ કરતાં હતાં. ડો. કરામાત ઉલ્લાહ મિર્ઝા ૧૯૭૪થી ક્લેક્ટોનમાં રહેતા હતા અને ઓલ્ડ રોડ મેડિકલ પ્રેક્ટિસમાં કામ કરતા હતા. તેમનો જન્મ પાકિસ્તાનના ડોક્ટર પરિવારમાં થયો હતો અને ૧૯૬૬માં ઈંગ્લેન્ડ આવ્યા હતા. ડો. મિર્ઝા અને પત્ની એસ્ટેલને કોરોના લક્ષણો પછી ટેસ્ટ પોઝિટિવ જાહેર કરાયાં હતા. મિસિસ મિર્ઝા સાજા થયાં હતાં પરંતુ, ડો. મિર્ઝાની હાલત ખરાબ થયા પછી ૧૦ મે, રવિવારે તેમનું મૃત્યુ થયું હતું.

મૂળ કેરળના અને દિલ્હીના વતની ડો. પૂર્ણિમા નાયર

ભારતીય મૂળના કોરોનાવોરિયર ડોક્ટર પૂર્ણિમા નાયરનું કોરોનાના ચેપ સામે લાંબા સંઘર્ષ પછી ૧૨ મે મંગળવારે મૃત્યુ થયું હતું. મૂળ કેરળના અને દિલ્હીના વતની ૫૬ વર્ષીય ડો. પૂર્ણિમા નાયરને ૨૦ માર્ચે કોરોનાના લક્ષણો સાથે સ્ટોકટોનની યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ નોર્થ ટીઝ હોસ્પિટલમાં દાખલ કરાયાં પછી ૨૭ માર્ચથી લાઈફ સપોર્ટ પર રખાયાં હતાં.

તેમણે સ્ટેશન વ્યૂ મેડિકલ સેન્ટરમાં જોડાતાં અગાઉ બિશપ ઓકલેન્ડ હોસ્પિટલમાં ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનોકોલોજી વિભાગમાં કામગીરી બજાવી હતી. સ્ટેશન વ્યૂ મેડિકલ સેન્ટરના સ્ટાફે ડો. નાયરની વિદાયથી ભારે દુઃખ અને આઘાતની લાગણી અનુભવી હતી. તેઓ દર્દીઓમાં અત્યંત લોકપ્રિય હતાં અને સોશિયલ મીડિયા પર તેમનાં માટે શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો છે.

પૂર્ણિમા નાયરે ૧૯૮૭માં દિલ્હી યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ ૧૯૯૪માં ભારતથી યુકે આવ્યાં હતાં. તેમણે જીપી તરીકે પ્રેક્ટિસ શરુ કરી હતી અને ૨૬ વર્ષથી NHSને સેવા આપી રહ્યાં હતાં. ડો. પૂર્ણિમાના પતિ શ્લોક બાલુપુરી સંડરલેન્ડ રોયલ હોસ્પિટલમાં સીનિયર સર્જન છે. તેમના પુત્ર વરુણે પરિવાર, મિત્રો અને પેશન્ટ્સ તરફ તેમનો પ્રેમ કદી ભૂલાશે નહિ તેમ કહેવા સાથે માતાને સંપૂર્ણ રીતે જીવન જીવનારા તેમજ સંપર્કમાં આવતા લોકોમાં પોઝિટિવિટી અને આનંદ ફેલાવનારા માનવી ગણાવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter