લંડનઃ ભારત સરકારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા એટલે કે ઓસીઆઇ કાર્ડના નિયમો વધુ કડક બનાવ્યા છે. ઓસીઆઇ કાર્ડ ધરાવતા ભારતીય મૂળના લોકો ઈચ્છે ત્યાં સુધી ઈન્ડિયામાં રહી શકે છે. ગેઝેટ નોટિફિકેશનમાં ભારતના ગૃહ મંત્રાયલે જણાવ્યું છે કે જો કોઈ ઓસીઆઇ કાર્ડ હોલ્ડરને ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવશે કે પછી તેના પર સિરિયસ ક્રાઈમનો ચાર્જ લાગશે તો પણ તેનું ઓસીઆઇ કાર્ડ રદ થઈ શકે છે.
ભારતના ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે જો ઓસીઆઇ કાર્ડહોલ્ડરને બે વર્ષ કે તેથી વધુની જેલની સજા થાય અને જે આરોપમાં સાત વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે તેમ હોય તેમાં ચાર્જશીટમાં તેમનું નામ સામેલ કરાય તો આવા મૂળ ભારતીયોનું ઓસીઆઇ કાર્ડ રદ કરાશે. ભારતના સિટિઝનશિપ એક્ટ 1955ના સેક્શન 7ડી અંતર્ગત સરકાર ઓસીઆઇ કાર્ડહોલ્ડરનું સ્ટેટસ રદ કરી શકે છે.
નિયમમાં કરાયેલા સુધારા અનુસાર ઓસીઆઇ કાર્ડહોલ્ડર ઈન્ડિયામાં કે પછી વિદેશમાં ગંભીર ગુનો કરશે તો પણ તેનું ઓસીઆઇ કાર્ડ રદ થઈ શકે છે. સામાન્ય રીતે ગંભીર અપરાધમાં દોષી ઠરનારનું કાર્ડ રદ કરાતું હતું પરંતુ નવા નિયમ પ્રમાણે આરોપનામુ ઘડાયું હશે તેવા વ્યક્તિએ પણ ઓસીઆઇ કાર્ડ ગુમાવવું પડશે.
યુકેમાં 17.64 લાખ ઈન્ડિયન્સ રહે છે જેમાંથી 14.13 લાખ બ્રિટિશ સિટીઝન છે. યુએસમાં ઈન્ડિયન્સની કુલ વસ્તી 44.60 લાખ થાય છે જેમાં 12.80 લાખ લોકો પાસે અમેરિકાની સિટીઝનશિપ નથી જ્યારે 31.80 લાખ યુએસ સિટીઝનશિપ ધરાવે છે. ગલ્ફ દેશોની વાત કરીએ તો કુવૈતમાં 10.29 લાખ ઈન્ડિયન્સ રહે છે જ્યારે સાઉદીમાં રહેતા ઈન્ડિયન્સની સંખ્યા 25.94 લાખ છે અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ઓવરસીઝ ઈન્ડિયન્સની સંખ્યા 4.96 લાખ છે તેમજ કેનેડામાં 16.89 લાખ ઈન્ડિયન્સ રહે છે જેમાંથી 15.10 લાખ પાસે ત્યાંની સિટીઝનશિપ છે.