કર્મચારીઓને શેર્સની લેબરની યોજના કંપનીઓને £૩૦૦ બિલિયનમાં પડશે

Wednesday 11th September 2019 04:44 EDT
 
 

લંડનઃ કર્મચારીઓેને શેર્સ આપવાની લેબરની યોજનાને લીધે ૭,૦૦૦ મોટી કંપનીઓના ૩૦૦ બિલિયન પાઉન્ડના મૂલ્યના શેરો જપ્ત થઈ જશે તેમ અભ્યાસમાં જણાયું હતું. લેબર સરકારના ‘ઈન્ક્લ્યુઝીવ ઓનરશિપ ફંડ્સ’ હેઠળ ૨૫૦થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપનીએ એક દાયકામાં તેના દસ ટકા શેરો સ્ટાફને ટ્રાન્સફર કરવાના રહેશે.

સત્તાવાર આંકડાના વિશ્લેષણમાં જણાયું હતું કે આવકની પુનઃવહેંચણી માટેની આ યોજનામાં ટ્રાન્સફરનું મૂલ્ય ૨૭૦ બિલિયનથી ૩૦૦ બિલિયન પાઉન્ડ વચ્ચે હશે.  ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથે મળીને આ અભ્યાસ કરનારી લો કંપની ક્લિફર્ડ ચાન્સએ જણાવ્યું હતું કે સંપત્તિનો આટલા મોટા પાયે વિનિયોગ થયો હોય તેવો અગાઉનો કોઈ દાખલો નથી. કંપનીના પાર્ટનર ડેન નીડલે જણાવ્યું હતું કે આ પગલાંને પરિણામે કંપનીઓ અને શેરહોલ્ડરો કાનૂની કાર્યવાહી કરશે તેમજ ચીન અને અમેરિકા જેવા દેશો તરફથી વળતાં પગલા લેવાશે.

શેડો ચાન્સેલર જહોન મેકડનેલે જણાવ્યું હતું કે આ નીતિના પરિણામે ઉત્પાદકતા વધશે અને ટૂંકા ગાળાના નફા પર ઓછું ધ્યાન અપાશે કારણ કે કેટલાંક સંશોધન સૂચવે છે કે કર્મચારીઓની માલિકીના બિઝનેસની કામગીરી લાંબા ગાળે ખૂબ સારી હોય છે. જોકે, તેમને ૫૦૦ પાઉન્ડની મર્યાદામાં ડિવિડન્ડ ચૂકવાશે. બાકીની રકમ સોશિયલ ડિવિડન્ડ તરીકે પબ્લિક સર્વિસીસમાં જશે.

અગાઉ મકાનમાલિક પાસેથી માર્કેટ કરતાં ઓછાં ભાવે મકાન ખરીદી શકે તે માટે ખાનગી ભાડૂતોને મદદરૂપ થવાનો વિચાર પણ મેકડનેલે રજૂ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter