લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનથી રાજગાદીએ આવેલા કિંગ ચાર્લ્સ ત્રીજાએ તેમનું ‘ડિફેન્ડર ઓફ ફેઈથ’ અર્થાત ‘ધર્મરક્ષક’ ટાઈટલ દૂર કરવું જોઈએ તેવી હિન્દુઓની લાગણી હોવાનું હિન્દુ રાજપુરુષ અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડ દ્વારા જણાવાયું છે. તેમણે આ શબ્દ ચલણી નાણા પરથી પણ દૂર કરવા જણાવ્યું હતું. ‘ડિફેન્ડર ઓફ ફેઈથ’ બિરુદ16મી સદીથી શરૂ કરાયેલું છે.
નેવાડા (USA) ખાતેથી નિવેદનમાં રાજન ઝેડે જણાવ્યું હતું કે બ્રિટન બહુધર્મી, બહુ સાંપ્રદાયિક અને બહુમતવાદી દેશ છે તેમજ નાસ્તિકોની સંખ્યા પણ વધી રહી છે. કોઈ પણ રાજા માટે તમામ પ્રજાજન સમાન હોય ત્યારે આ પ્રકારના ટાઈટલ વર્ગીય માળખું બનાવતું જણાય છે અને 21મી સદીમાં અસંગત લાગે છે. રાજાશાહીએ ધર્મના રક્ષણની બાબતમાં પડવું ન જોઈએ. જો ધર્મના રક્ષણની જરૂર લાગે તો તેને જે તે ધર્મ, સંપ્રદાય કે નાસ્તિકો પર છોડી દેવું જોઈએ.
જો કિંગ ચાર્લ્સ ત્રીજાને સમાવેશી સમાજમાં તમામ આસ્થા પદ્ધતિઓને માન્યતા અને રક્ષણ આપવાની જરૂર લાગતી હોય તો તેમણે પોતાના રાજ્યાભિષેકમાં વિવિધ ધર્મો અને સંપર્દાયોને પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરવા તેમજ નાસ્તિક વર્ગને યોગ્ય અભિનંદન આપવા આમંત્રિત કરવા જોઈએ. રાજન ઝેડે ઉમેર્યું હતું કે મોનાર્કને અંગત માન્યતા અને ધાર્મિક રીતરિવાજોનો અધિકાર છે પરંતુ, તેમણે જાહેરમાં પોતાની ધાર્મિક પસંદગીને જાહેર કરવી ન જોઈએ તેમજ અન્યની સરખામણીએ એક સંપ્રદાયની તરફેણ કરવી ન જોઈએ. ચાર્લ્સ ત્રીજા તમામ આસ્તિક અને નાસ્તિક પ્રજાજનોના સમાન રાજા છે.
રાજન ઝેડે કહ્યું હતું કે આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી સન્માનીય અને વિદ્વાન છે તેમજ યુનાઈટેડ કિંગ્ડમ અને કોમનવેલ્થના ધાર્મિક ફલકથી સુપેરે જાણકાર છે અને તેમણે જ આ બાબતે કિંગ ચાર્લ્સને યોગ્ય સલાહ આપવી જોઈએ.