લંડનઃ ચાન્સેલર ક્વાસી ક્વારટેન્ગ શુક્રવાર 23 સપ્ટેમ્બરે મિનિ બજેટ રજૂ કરશે જેમાં લિઝ ટ્રસ સરકારની ચેક્સ કાપ અને એનર્જીમર્યાદા સ્થગિત રાખતી યોજના કેવી રીતે કામ કરશે તેની સ્પષ્ટતા કરવામાં આવશે. આ ઉપરાંત, નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં કરાયેલો વધારો પણ પાછો ખેંચાવાની સંભાવના છે.
લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સીસ અનુક્રમે લિવરપૂલ અને બર્મિંગહામમાં યોજાનાર છે તે પહેલા જ મિનિ બજેટ રજૂ થશે. સામાન્યપણે શુક્રવારે પાર્લામેન્ટનું કામ ચાલતું નથી પરંતુ, ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનના કારણે તમામ સરકારી અને સંસદીય કામકાજમાં 10 દિવસનો વિલંબ થયો છે. સાંસદો અને લોર્ડ્ઝ વાર્ષિક પાર્ટી કોન્ફરન્સીસના કારણે ગુરુવાર 22 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિરામ પર જવાના હતા પરંતુ, હવે તેમાં બદલાવ આવશે. ક્વારટેન્ગની પ્રથમ નાણાકીય જાહેરાતને ધ્યાનમાં લઈ પાર્લામેન્ટ કોન્ફરન્સીસના ગાળા માટે મોડો વિરામ લેશે.
બીજી તરફ, ક્વીનના નિધનના કારણે પાર્લામેન્ટના કામકાજનો જે સમય ઉપયોગમાં ન લઈ શકાયો તેને સરભર કરવા કોન્ફરન્સીસ વિરામગાળો ઘટાડી 17 ઓક્ટોબર પહેલા સત્ર ચાલુ કરી શકાય તેની પણ ચર્ચા ચાલી રહી છે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે આવી શક્યતા દર્શાવી હતી.