લંડન
મહારાણીના કોફિન પર સતત એક ધ્વજ જેવું કાપડ નજરે પડતું હતું જેને રોયલ સ્ટાન્ડર્ડ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટનના રાજવીના બે રોયલ સ્ટાન્ડર્ડ હોય છે. તેમાંથી એકનો ઉપયોગ વિશેષ રીતે સ્કોટલેન્ડમાં આવેલા તેમના નિવાસસ્થાન માટે જ કરાય છે જ્યારે બીજા રોયલ સ્ટાન્ડર્ડનો ઉપયોગ બ્રિટનમાં અન્યત્ર કોઇપણ સ્થળે કરાય છે. મહારાણીના કોફિનને પણ આ રોયલ સ્ટાન્ડર્ડમાં લપેટવામાં આવ્યું હતું. 1603થી રોયલ સ્ટાન્ડર્ડનો વિવિધ સ્વરૂપે ઉપયોગ થતો આવ્યો છે. મહારાણીના ફ્યુનરલમાં ઉપયોગમાં લેવાયેલા રોયલ સ્ટાન્ડર્ડમાં ચાર વિભાગ હતા જેમાં પહેલા અને ચોથા વિભાગમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા 3 સિંહ, બીજા વિભાગમાં સ્કોટલેન્ડનું પ્રતિનિધત્વ કરતો સિંહ અને ત્રીજા વિભાગમાં આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતી વીણા દર્શાવવામાં આવી હતી. રોયલ સ્ટાન્ડર્ડમાં વેલ્સને પ્રતિનિધિત્વ અપાતું નથી. બ્રિટનના રાજવી તેમના કોઇપણ શાહી મહેલમાં હાજર હોય ત્યારે રોયલ સ્ટાન્ડર્ડને ત્યાં ફરકાવવામાં આવે છે. તેવી જ રીતે રાજવી સત્તાવાર પ્રવાસે હોય ત્યારે તેમની કાર પર, તેમના વિમાન પર અને રોયલ યોટ પર પણ તેને ફરકાવવામાં આવે છે. બ્રિટિશ રાજવીની મુલાકાત દરમિયાન રોયલ સ્ટાન્ડર્ડને સત્તાવાર અથવા તો ખાનગી ઇમારત પર ફરકાવી શકાય છે.