ક્વીન અને યુએસ પ્રમુખ બાઈડેન વચ્ચે ૧૩ જૂને મુલાકાત યોજાશે

Wednesday 09th June 2021 07:03 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ ૧૩ જૂને યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનનું વિન્ડસર કેસલ ખાતે સ્વાગત કરશે. બાઈડેન પ્રમુખ બન્યા પછી પહેલી વખત કોર્નવોલમાં જી-૭ શિખર પરિષદમાં હાજરી આપવા યુકેની મુલાકાતે આવી રહ્યા છે.

બકિંગહામ પેલેસે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ક્વીન રવિવાર ૧૩ જૂન ૨૦૨૧ના રોજ યુએસ પ્રમુખ અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનને વિન્ડસર કેસલમાં મળવાના છે.’ જોકે, આ તારીખ અને સમયના કારણે ક્વીનને ઈંગ્લેન્ડની ક્રોએશિયા વિરુદ્ધ પ્રથમ યુરોસ મેચ ગુમાવવી પડશે. એપ્રિલ મહિનામાં પ્રિન્સ ફિલિપના અવસાન પછી ક્વીન પહેલી જ વખત એકલા સત્તાવાર બેઠક માટે હવાઈમાર્ગે પહોંચશે.

જો બાઈડેન ક્વીન સાથે મુલાકાત કરનારા ૧૩મા યુએસ પ્રમુખ બનશે. ક્વીને ૧૯૫૨માં રાજગાદી સંભાળી પછી લીન્ડન બી. જ્હોન્સન સિવાય દરેક અમેરિકન રાષ્ટ્રવડા સાથે મુલાકાત કરી છે. જ્હોન્સન તેમના કાર્યકાળ દરમિયાન બ્રિટન આવ્યા ન હતા. બાઈડેન અને તેમના પત્નીએ પ્રિન્સ ફિલિપના મૃત્યુ પછી ક્વીન અને સમગ્ર પરિવારને દિલસોજી પાઠવતો સંદેશ મોકલ્યો હતો. બાઈડેન દંપતી પ્રિન્સ હેરીને વર્ષેથી જાણે છે. જિલ બાઈડેન ૨૦૧૨માં યુએસ અને યુકેના ઈજાગ્રસ્ત સૈનિકો સંબંધિત કાર્યક્રમમાં પ્રિન્સ હેરીને મળ્યાં હતાં. ફર્સ્ટ લેડી તેમના પતિ સાથે પ્રિન્સ હેરીની ઈન્વિક્ટ્સ ગેમ્સમાં નિયમિત હાજરી આપતાં રહ્યાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter