લંડન
બીબીસી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનની સરકાર દ્વારા તૈયાર કરાયેલા એક ગુપ્ત રિપોર્ટમાં ગુજરાતના વર્ષ 2002ના કોમી રમખાણો માટે હાલ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સીધા જવાબદાર હતા. બીબીસી ટુ પર પ્રસારિત કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ ઇન્ડિયા – ધ મોદી ક્વેશ્ચનને ગુજરાતના રમખાણોની તપાસ માટે તત્કાલિન બ્રિટિશ વિદેશ મંત્રી જેક સ્ટ્રો દ્વારા મોકલાયેલી તપાસ ટીમ દ્વારા તૈયાર કરાયેલા ગુપ્ત રિપોર્ટના આધારે આ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.
બ્રિટિશ સરકારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વ્યાપક અને સુનિયોજિત રીતે મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કરાયા હતા. કોમી હિંસાને રાજકીય પીઠબળ હાંસલ હતું અને આ હિંસોનો ઉદ્દેશ્ય હિન્દુ વિસ્તારોમાંથી મુસ્લિમોનો સફાયો કરવાનો હતો.
બ્રિટનના એક વરિષ્ઠ પૂર્વ રાજદ્વારીએ જણાવ્યું હતું કે, આ કોમી રમખાણોમાં ઓછામાં ઓછા 2000 લોકોની હત્યા કરાઇ હતી જેમાં મુસ્લિમોની મોટી સંખ્યા હતા. અમે આ હિંસાને નરસંહાર ગણાવ્યો હતો. રાજકીય પીઠબળ સાથે મુસ્લિમોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં હતાં. આરએસએસ સાથે સંકળાયેલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ હિંસાનું કાવતરું ઘડાયું હતું.
બ્રિટિશ સરકારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તત્કાલિન ગુજરાત સરકાર દ્વારા આંખ આડા કાન ન કરાયા હોત તો વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સંકળાયેલા સહયોગીઓ આટલા બેફામ બની શક્યા ન હોત. આ હિંસા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સીધા જવાબદાર હતા. વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, તે સમયે નરેન્દ્ર મોદીએ સીનિયર પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને રમખાણોમાં હસ્તક્ષેપ નહીં કરવાની સૂચના આપી હતી. જોકે પોલીસ સૂત્રોએ આ પ્રકારની કોઇ બેઠક યોજાઇ હોવાનો ઇનકાર કર્યો હતો.