ચાન્સેલર રિશિ સુનાક કાર્યકારી વડા પ્રધાન તરીકે વધુ પસંદ

Tuesday 31st March 2020 04:55 EDT
 
 

લંડનઃ યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોનાના ચેપ સાથે સેલ્ફ-આઈસોલેશનમાં છે ત્યારે બ્રિટિશ જનતાએ તેમની ગંભીર માંદગી અને ગેરહાજરીમાં વચગાળાના અથવા કાર્યકારી વડા પ્રધાન તરીકે પસંદગીનો કળશ ચાન્સેલર રિશિ ‘ડિશિ’ સુનાક પર ઢોળ્યો છે. ડેલ્ટાપોલના તારણો અનુસાર કોરોના કટોકટીના સામના માટે જ્હોન્સનની કામગીરીને ૭૮ ટકા મતદારે સમર્થન આપ્યું છે.

ધ મેઈલ ઓન સન્ડે માટે કરાયેલા વિશેષ પોલમાં વડા પ્રધાન જ્હોન્સન ગંભીરપણે બીમાર પડે તેવી સ્થિતિમાં દેશનો વહીવટ ચલાવવા ચાન્સેલર રિશિ સુનાકની પસંદગી કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટે આવા સંજોગોમાં ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ દોર હાથમાં લેશે તેવા સંકેત આપ્યા છે. જોકે, ડેલ્ટાપોલના તારણોમાં રિશિને ત્રણ ગણા વધુ પસંદ કરાયા છે.

બીજી તરફ, કોરોના કટોકટીમાં ૭૮ ટકાએ જ્હોન્સનની કામગીરીને સમર્થન આપ્યું છે. જોકે, ૬૩ ટકા મતદાર એમ માને છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ઘણા મોડાં દાખલ કરાયા છે. પરીક્ષણોના વિવાદિત મુદ્દા વિશે ૮૩ ટકા માને છે કે ડોક્ટર્સ અને નર્સીસને પ્રાથમિકતા મળવી જોઈએ જ્યારે, સીનિયર રાજકારણીઓને પ્રાથમિકતા આપવાની માત્ર ૧૯ ટકાએ અને રોયલ ફેમિલીને પ્રાથમિકતાની ૧૫ ટકાએ તરફેણ કરી હતી.

મોટા ભાગના મતદારોએ માન્યું હતું કે બ્રિટનમાં આ સ્થિતિ લાંબો સમય રહેશે. જોકે, ૫૦ ટકા મતદારે ત્રણ મહિના લોકડાઉન રહેશે તેમ દર્શાવ્યું હતું. બહુમતી મતદારોએ સ્વીકાર્યું છે કે નાગરિક સ્વાતંત્ર્યને અંકુશિત કરવાનું પગલું કટોકટીના સામના માટે યોગ્ય છે અને ૬૧ ટકાએ કહ્યું હતું કે આ મૂલ્ય ચૂકવવું આવશ્યક છે.

અર્થતંત્ર આગામી વર્ષે જ રીકવર થઈ જશે તેમ માનનારાની સંખ્યા માત્ર છ ટકા હતી અને આ કટોકટીના પરિણામે કામકાજી જીવનમાં સદંતર પરિવર્તન આવશે તેમ ૫૭ ટકાએ કહ્યું છે. સર્વેમાં એમ પણ કહેવાયું હતું કે ત્રીજા ભાગના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવામાં નિષ્ફળ ગયા છે. સુપરમાર્કેટ્સમાં માલસામાનનો સંગ્રહ કરવામાં ૧૮-૨૪ વયજૂથના લોકોને સૌથી વધુ દોષિત મનાયા હતા અને ત્રીજા ભાગના મતદારોએ તેમણે ગભરાટના માર્યા ખરીદી કરી હોવાનું સ્વીકાર્યું હતું. સુપરમાર્કેટ્સમાં સત્તાવાર રેશનિંગ રાખવાને ૭૭ ટકાએ સમર્થન આપ્યું છે.

જ્હોન્સનના લોકડાઉનને લોકોનો સપોર્ટ

અગાઉ, વડા પ્રધાન જ્હોન્સને જાહેર કરેલા કોરોના વાઈરસ લોકડાઉનને YouGov મતદાનમાં ૯૩ ટકા બ્રિટિશરોનો સાથ સાંપડ્યો હતો. બ્રિટનના ઈતિહાસમાં શાંતિ અથવા યુદ્ધકાળમાં સૌથી કઠોર તાળાબંધીમાં અનિવાર્ય કારણો વિના દરેક નાગરિકને ઘરમાં જ રહેવાની તાકીદ સાથે બેથી વધુ વ્યક્તિઓને એકત્ર થવાનું પ્રતિબંધિત કરાયું છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ઓછામાં ઓછા ૨૧ દિવસ માટે લોકોની અવર-જવરમાં ઘટાડો કરવાના હેતુથી આ જાહેરાતો કરી હતી. બે-તૃતીઆંશ લોકો માને છે કે અસાધારણ નિયંત્રણો સહેલાઈથી અમલ કરી શકાય તેવા છે. YouGov દ્વારા કરાયેલું સંશોધન દર્શાવે છે કે વડા પ્રધાનના પગલાંને નાગરિકો તરફથી ભારે સમર્થન પ્રાપ્ત થયું છે. જોકે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ માને છે કે ઈટાલીમાં લેવાયાં છે તેવાં કડક પગલાં બ્રિટનમાં લેવાનું ભારે પડકારરૂપ બની રહેશે. રોમના સત્તાવાળાની સરખામણીએ યુકેમાં ઘણો ઓછો પોલીસ ફોર્સ છે અને આશરે ૨૦,૦૦૦ જેટલા ઓછા પોલીસ અધિકારીઓ છે.

પોલીસ વિરુદ્ધ થૂંકવા-ખાંસીનો ઉપયોગ

ફ્રન્ટલાઈન પોલીસ અધિકારીઓની કફોડી હાલત છે. વેસ્ટ યોર્કશાયરમાં એક ગંભીર ઘટના સાથે કામ કરી રહેલા અધિકારીઓ મોટા ટોળાંને વિખેરવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે થુંકવામાં આવ્યું હતું અને ખાંસી ખવાઈ હતી.

વેસ્ટ યોર્કશાયર પોલીસના પોલીસ કોન્સ્ટેબલ રાચેલ સ્ટોરીએ ટ્વીટર પર ઘટના વિશે જણાવ્યું હતું કે‘ અમે ગંભીર ઘટનાના સ્થળે ચોકી કરી રહ્યા હતા તે સમયે ખભેખભા મિલાવી મોટાં ટોળાનો સામનો કરવો પડ્યો હતો. અમે તેમને વિખેરાઈ જવા કહ્યું ત્યારે તેઓ જમીન પર થૂંકી રહ્યા હતા અને અમારી સામે ખાંસી રહ્યા હતા. ખાંસવા સાથે તેઓ પસાર થતા બાઈકસવારોને ઈંડા ફેંકી નિશાન બનાવતા હતા. આમ શા માટે?’

પોલીસ સાર્જન્ટ શાર્લોટ નિકોલ્સે ઉમેર્યું હતું કે,‘ આ તદ્દન ખરાબ છે. ગઈ કાલ રાત્રે મારે ઘેર પહોંચી બૂટ પર થૂંકના કારણે તેને ધોવાં પડ્યા હતા. તેના પર કેટલું થૂંક લાગ્યું હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી.’ પોલીસ કોન્સ્ટેબલ સ્ટોરીએ ઉત્તર આપ્યો હતો કે, ‘હું જાણું છું. મારે પણ તેના પર ડેટોલ સ્પ્રે કરવું પડ્યું હતું.’ ગત ગુરુવારે સવારે સસેક્સના પોલીસ અધિકારીએ M25 માર્ગ પર એક વાનના ડ્રાઈવરને બાજુ ઉભા રહેવા જણાવતા તે અધિકારી સામે ખાંસ્યો હતો. ડ્રાઈવરને કોવિડ-૧૯ હોવાનો દાવો કરાયો હતો. ડ્રાઈવર ફોનનો ઉપયોગ કરી રહ્યો હોવાથી તેને અટકાવાયો હતો. આ ડ્રાઈવરે ૨૦૧૮થી વ્હીકલ ટેક્સ ભર્યો ન હતો કે તેની પાસે MOT ન હતું અને ટાયર ગેરકાયદે હોવાનું જણાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter