જૂન ૨૦૨૨માં ક્વીનના સત્તારોહણની પ્લેટિનમ જ્યુબિલીઃ ૪ દિવસ બેન્ક હોલીડે

Wednesday 09th June 2021 07:28 EDT
 
 

લંડનઃ બ્રિટિશ કિંગ અથવા ક્વીને પ્રથમ વખત ૭૦ વર્ષ રાજગાદી સંભાળવાનો વિક્રમ કર્યો હોય તેની યાદગીરીમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે આગામી ઉનાળામાં ૪ દિવસની બેન્ક હોલીડે જાહેર કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૨ના જૂન મહિનામાં ગુરુવાર બીજી જૂનથી રવિવાર પ જૂન સુધી સુધી એકસાથે ચાર રજાઓ મળશે. ક્વીનના સત્તારોહણના સાત દાયકા આગામી વર્ષની ૬ ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી સમયે ક્વીન ૯૬ વર્ષનાં હશે.

બકિંગહામ પેલેસને જાહેર કર્યા અનુસાર કવીનને રાજગાદી સંભાળે ૭૦ વર્ષ થવા નિમિત્તે વિશ્વના સૌથી મોટા સ્ટાર્સને સાંકળતા ૫૦૦૦ પરફોર્મર્સના જીવંત કોન્સર્ટ સહિત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન યોજાશે. ક્વીન અને શાહી પરિવારના અન્ય સભ્યો સમગ્ર દેશનો પ્રવાસ કરશે અને પ્લેટિનમ જ્યુબિલીને સુસંગત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. લાંબા વીકએન્ડના શનિવારે બકિંગહામ પેલેસ ખાતે પ્લેટિનમ પાર્ટી એટ ધ પેલેસનું આયોજન કરાશે. આ જીવંત કોન્સર્ટના પરફોર્મર્સના નામ હજુ જાહેર કરાયા નથી પરંતુ, તેઓ વિશ્વના સૌથી મોટા મનોરંજન સ્ટાર્સ હશે તે નિશ્ચિત છે. કોન્સર્ટની અગાઉ ક્વીન અને તેમનો પરિવાર સરેના એપ્સમ ડાઉન્સમાં યોજાની અશ્વદોડ-ડર્બીમાં રોયલ બોક્સમાં ઉપસ્થિત રહેશે.

મે મહિનાના આખરી બેન્ક હોલીડેને બીજી જૂન ગુરુવાર પર લઈ જવાશે જેથી રવિવાર પ જૂન સુધી સુધી એકસાથે ચાર રજા મળી શકે. ગુરુવારે મહામારી પછી પ્રથમ વખત સંપૂર્ણપણે ટ્રૂપિંગ ધ કલર યોજાશે. ટ્રૂપિંગ ધ કલર ઈવેન્ટમાં પરેડ કરતા ૧,૪૦૦થી વધુ સૈનિકો, ૨૦૦ અશ્વ અને ૪૦૦ મ્યુઝિશિયન્સ હાજરી આપશે. સમગ્ર યુકે, ચેનલ આઈલેન્ડ્સ, આઈલ ઓફ મેન અને યુકેના ઓવરસીઝ વિસ્તારો પ્લેટિમ જ્યુબિલી બીકન્સની રોશનીથી ઝળહળી ઉઠશે. ક્વીનના શાસનના સીમાચિહ્નની ઉજવણી નિમિત્તે કોમનવેલ્થ રાષ્ટ્રોની રાજધાનીઓમાં ઔપચારિક બોનફાયર્સ પણ પ્રગટાવાશે. શનિવારે સેન્ટ પોલ્સ કેથેડ્રલ ખાતે ક્વીનના શાસન માટે થેંક્સગિવિંગ સર્વિસ પણ યોજાનાર છે. બેન્ક હોલીડેના આખરી દિવસ રવિવારે દેશભરની કોમ્યુનિટીઓ દ્વારા બિગ જ્યુબિલી લંચનું પણ આયોજન કરવામાં આવશે.

પરંપરા અનુસાર લશ્કરી દળો, ઈમર્જન્સી સર્વિસીસ અને પ્રિઝન સર્વિસીસના પ્રતિનિધિઓ સહિત જાહેર સેવાઓમાં કાર્યરત લોકો માટે પ્લેટિનમ જ્યુબિલી મેડલ્સ પણ જાહેર કરવામાં આવશે. પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે સત્તાવાર પ્રતીક-ચિહ્નની ડિઝાઈન માટેની સ્પર્ધાની વિગતો પણ આ મહિને જાહેર કરવામાં આવનાર છે.ક્વીનની ગોલ્ડન જ્યુબિલી અને ડાયમન્ડ જ્યુબિલી પણ જૂનમાં જ યોજાઈ હતી કારણકે ફેબ્રુઆરીની સરખામણીએ હવામાન ઘણું સારું હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter