લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ચોતરફથી ઘેરાઈ ગયા છે. એક તરફ તેમના પૂર્વ સહાયક ડૌમિનિક કમિન્સે વડ્ પ્રધાનના ફ્લેટની સજાવટ અંગે ડોનેશન બાબતે લીક ઈન્ક્વાયરી અટકાવવાનો વડા પ્રધાને પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જ્હોન્સને કોવિડ મહામારી સામે જે રીતે કામગીરી બજાવી છે તેને તદ્દન નબળી ગણાવાઈ રહી છે. બીજી તરફ, હજારો લાશોના ઢગલા થશે તો પણ બીજુ લોકડાઉન નહિ લગાવવા દઉં તેવી ટીપ્પણી કર્યાનો પણ તેમની સામે આક્ષેપ છે.
બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડના બીજા નેશનલ લોકડાઉન અગાઉ ઓક્ટોબરમાં આવું કોઈ વિધાન કર્યાનો સદંતર ઈનકાર કર્યો છે. દરમિયાન કેબિનેટ ઓફિસ સેક્રેટરી માઈકલ ગોવે પણ જહોન્સને ‘હજારો લાશના ઢગલા’ની ટીપ્પણી કર્યાનું નકાર્યું છે. જોકે, સ્પેક્ટેટર મેગેઝિને સેકન્ડ લોકડાઉનની સંમતિ આપ્યા પછી પોતાની સ્ટડીમાં આમ ટીપ્પણી કર્યાનો દાવો કર્યો હતો.
જ્હોન્સન અને બિલિયોનેર જેમ્સ ડાયસન વચ્ચે ખાનગી ટેક્સ્ટ મેસેજીસને કમિન્સે લીક કર્યા હોવાના અનામી સૂત્રોના દાવાના પગલે જ્હોન્સનના પૂર્વ સહાયકે પાર વિનાના પ્રતિઆક્ષેપો કર્યા હતા. નવેમ્બર મહિનામાં ડાઉનિંગ સ્ટ્રીટ છોડી જનારા કમિન્સ અને જ્હોન્સનની ફિઆન્સી કેરી વચ્ચેની કડવાશ જાણીતી છે. ડાયસન સાથે સંદેશાઓની આપ-લેમાં જ્હોન્સને મહામારી દરમિયાન યુકેમાં કામ કરતા ડાયસનના ટેક્સ સ્ટેટસનો મુદ્દો ઉકેલી દેવાની ખાતરી આપી હોવાનું મનાય છે.
કમિન્સે પોતાના પર્સનલ બ્લોગમાં જ્હોન્સન અને તેની ટીમે સંખ્યાબંધ ખોટું કર્યાના આક્ષેપો કર્યા છે. કમિન્સે લખ્યું હતું કે જ્હોન્સનની વર્તણૂક તે જાણે ‘પાગલ અને તદ્દન એનૈતિક’ હોય તેવા પ્રકારની રહી છે. તેણે તો ઈન્ક્વાયરીમાં સોગંદ હેઠળ જુબાની આપવાની તૈયારી પણ દર્શાવી છે. આગામી મહિને તેઓ સાંસદોને સાબિતીઓ આપવાના છે. વડા પ્રધાન અને તેમની ઓફિસ દેશ ઈચ્છે તેવી કાર્યક્ષમતા અને ગૌરવના માપદંડોથી નીચે ઉતરી હોવાનું પણ કમિન્સે કહ્યું હતું. કમિન્સનું કહેવું છે કે કથિત ૫૮,૦૦૦ પાઉન્ડના ખર્ચે ડાઉનિંગ સ્ટ્રીટ ફ્લેટની નવસજાવટ બાબતે તેમે જ્હોન્સનને ચેતવણી આપી હતી. આ સજાવટ માટે વડા પ્રધાને કન્ઝર્વેટિવ સપોર્ટર્સ પાસેથી ફંડિંગ મેળવવાના પ્રયાસ કર્યા હોવાનું કહેવાય છે. આ બાબતે લેબર પાર્ટીએ પણ સરકારમાં લોકો ગુણમાં ભરાયેલા ઊંદરોની માફક લડી રહ્યા હોવાનું જણાવ્યું છે.