ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ: બે વર્કર દાઝ્યા

Wednesday 01st May 2019 02:44 EDT
 
 

લંડનઃ શુક્રવાર, ૨૬ એપ્રિલની વહેલી સવારે ૩.૩૫ના સુમારે સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટમાં ટાટા સ્ટીલ વર્ક્સમાં ત્રણ મોટા વિસ્ફોટોએ નજીક રહેતા લોકોની ઉંઘ વેરણ કરી નાખી હતી અને ભારે ગભરાટ પ્રસરી ગયો હતો. વિસ્ફોટો પછી, ચોતરફ, ધૂમાડાના ગોટેગોટાં નજરે પડ્યાં હતા. સાઉથ વેલ્સ પોલીસે તમામ કામદારો સલામત હોવા સમર્થન આપી જણાવ્યું હતું કે પીગાળેલી લોહધાતુને લઇ જતી ટ્રેનમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં બે જણાને દાઝી જવાની સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, સવારના સાત વાગે તો પ્લાન્ટનું કામકાજ શરુ કરી દેવાયું હતું અને શીફ્ટ વર્ક્સ રોજની માફક જ કામે આવવા લાગ્યા હતા.

તાતા સ્ટીલે કહ્યું હતું કે કારખાનામાં નાનકડી આગ લાગી હતી જેના પર ટુંક સમયમાં જ નિયંત્રણ મેળવી લેવાયું હતું. જોકે, ઇમારતને થોડું નુકસાન થયું હતું સત્તાવાળાઓએ વિસ્ફોટ અને આગના કારણોની તપાસ આરંભી હતી. ટાટા સ્ટીલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના બે કામદારો ઘાયલ થયા હતા. કારખાનામાં પીગળેલી ધાતુને લઇ જવાતી હતી ત્યારે આગ લાગી હતી અને પરિણામે વિસ્ફોટો થયા હતા.

સ્ટીલ પ્લાન્ટની આસપાસ રહેતાં લોકોએ કહ્યું હતું કે તેમણે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો અને તેમના ઘરનાં બારીબારણાં પણ ધ્રુજી ગયાં હતાં. સીસીટીવી ફૂટેજમાં બ્લાસ્ટના ભારે ચમકારા તેમજ આકાશમાં ધૂમાડાના ગોટાં જતાં નજરે પડ્યાં હતાં. સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર વિસ્ફોટોના અવાજ ૧૫ માઈલ દૂર સુધી સંભળાયા હતા.

સ્થાનિક સાંસદ સ્ટીફન કિન્નોકે આ ઘટના પરત્વે ઈમર્જન્સી સેવાઓ દ્વારા અપાયેલા ઝડપી પ્રતિભાવની પ્રશંસા કરી કહ્યું હતું કે,‘આ ઘટના કામદારોની સુરક્ષાનો ગંભીર મુદ્દો ઉજાગર કરે છે. આ વધુ વિનાશક બની શકી હોત. તાતા સ્ટીલ યુરોપે સુરક્ષામાં વધારો કરવા આ ઘટનાની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઇએ.’ ભારતના બહુરાષ્ટ્રીય અને સ્ટીલ ઉત્પાદનમાં મોટું નામ ધરાવતાં ટાટા જૂથે ૨૦૦૭માં કોરસ સ્ટીલ પાસેથી આ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો અને તેમાં ૪૦૦૦ લોકો કામ કરે છે. ૨૦૦૧માં આ પ્લાન્ટની ફર્નેસમાં વિસ્ફોટ થવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં હતાં અને ૧૨ વ્યક્તિને ઈજા થઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter