નિરવ મોદી પાસેથી રૂ. ૭,૨૦૦ કરોડ વસૂલવા ડીઆરટીનો આદેશ

Wednesday 10th July 2019 02:33 EDT
 
 

લંડન,નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી નિરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણ કેસ લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે તેની પાસેથી નાણાની વસૂલાત કરવા બેન્કને સરળતા રહે તેવો આદેશ ભારતની ડેટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી)એ આપ્યો છે. ડીઆરટીએ અંતિમ આદેશમાં નિરવ મોદી અને તેની કંપનીઓને પીએનબી તેમ જ બેન્ક સમૂહોને વ્યાજ સહિત રૂપિયા ૭,૨૦૦ કરોડ ચૂકવી દેવાના આદેશ કર્યા છે.

સૌપ્રથમ પીએનબી દ્વારા ગયા વર્ષે જુલાઈમાં ડીઆરટીનો સંપર્ક કરી નિરવ મોદી પાસેથી રૂપિયા ૭,૦૦૦ કરોડની વસૂલાત મુદ્દે રજૂઆત કરાઈ હતી. આ પછી બાકીની બેન્કસે રૂપિયા ૨૦૦ કરોડની વસૂલાત માટે અલગથી અરજી કરી હતી.

ડીઆરટીએ હવે રિકવરી પ્રમાણપત્ર જારી કરી દેતાં બેન્કના રિકવરી ઓફિસર નિરવની સંપત્તિ પર ટાંચ મૂકી શકે છે. જોકે, નિરવ મોદીની મોટાભાગની સંપત્તિ ઈડી દ્વારા પહેલેથી જ જપ્ત થઈ ચૂકી છે તે સંજોગોમાં વસૂલાત અધિકારી શું કરી શકે તે જોવાનું રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter