લંડન
બ્રિટનથી ભારત ખાતે પ્રત્યાર્પણનો સામનો કરી રહેલા ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદીની હાલત ખસ્તાહાલ થઇ ગઇ હોવાનું મનાય છે. તેણે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રત્યાર્પણને પડકારતી અપીલ માટેનો 1,50,247 પાઉન્ડનો ખર્ચ ચૂકવવાના આદેશ બાદ તે દર મહિને 10,000 પાઉન્ડ ઉધાર લઇ રહ્યો છે. ઇસ્ટ લંડનની કોર્ટમાં વીડિયો લિન્ક દ્વારા હાજર કરાયેલા નીરવ મોદીએ જણાવ્યું હતું કે, મારી પાસે કોઇ વકીલ નથી. 9 જાન્યુઆરીના રોજ પ્રત્યાર્પણ પ્રક્રિયાના જજે નીરવ મોદીને અપીલના ખર્ચ પેટે 28 દિવસમાં 1,50,247 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ નીરવ મોદી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયો છે.
કોર્ટે નીરવ મોદીને સવાલ કર્યો હતો કે તમે રકમ શા માટે ચૂકવી નથી ત્યારે નીરવે જણાવ્યું હતું કે, મારી તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે તેથી હું લીગલ ફી પણ ચૂકવી શક્તો નથી. મેજિસ્ટ્રેટની બેન્ચે નીરવને સવાલ કર્યો હતો કે શું તેને કેટલોક સમય જેલમાં રહેવાનું ગમશે ત્યારે તેણે હકારમાં જવાબ આપ્યો હતો.
કોર્ટે સવાલ કર્યો હતો કે પ્રતિ માસ 10,000 પાઉન્ડ કેવી રીતે ચૂકવશો ત્યારે નીરવે જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી નાણા ઉધાર લઇને કામ ચલાવી રહ્યો છું. મને ભારતમાં ન્યાય મળવાની આશા નથી. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી દર મહિને 10,000 પાઉન્ડની ચૂકવણી 6 મહિના માટે કરી શકે છે.